News of Tuesday, 17th February 2026
એકતાનગર ખાતે આરબીઆઈ દ્વારા લિડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો અને બેન્કિંગ અધિકારીઓ માટે રાજ્યકક્ષાની કન્વર્જન્સ વર્કશોપ યોજાઈ
રીજનલ ડાયરેક્ટર અમરેશ રંજન દ્વારા ખેતીવાડી ધિરાણ વધારવા અને ‘ડિજિટલ અરેસ્ટ’ જેવા સાયબર ફ્રોડ સામે નાગરિકોને સુરક્ષિત કરવા સજ્જ થવા આહવાન : ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૫ એલડીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

એકતાનગર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), અમદાવાદના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (FIDD) દ્વારા ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત 'ધ ફર્ન સરદાર સરોવર રિસોર્ટ' ખાતે એક ઉચ્ચ સ્તરીય કન્વર્જન્સ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સમગ્ર ગુજરાત તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના ૩૫ લિડ ડિસ્ટ્રિક્ટ મેનેજર્સ (LDMs), ૧૮ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર્સ (DDMs) અને લિડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર્સ (LDOs) સહભાગી થયા હતા.
નાણાકીય સમાવેશ અને કૃષિ ધિરાણ પર ભાર
વર્કશોપનું ઉદ્ઘાટન કરતા આરબીઆઈના રીજનલ ડાયરેક્ટર અમરેશ રંજન દ્વારા રાષ્ટ્રના નાણાકીય સમાવેશના એજન્ડાને આગળ ધપાવવામાં આ અધિકારીઓની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને એગ્રીકલ્ચર ફાઈનાન્સ (કૃષિ ધિરાણ) ના મહત્વને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે નાના અને સીમાંત ખેડૂતોનો ઉત્કર્ષ ટકાઉ આર્થિક વિકાસ માટે કેન્દ્ર સ્થાને છે.
સાયબર છેતરપિંડી સામે લાલબત્તી
ગુજરાતની સર્વસમાવેશક વૃદ્ધિની પ્રશંસા કરવાની સાથે રીજનલ ડાયરેક્ટર દ્વારા હાલમાં વધી રહેલા સાયબર ફ્રોડ, ખાસ કરીને "ડિજિટલ અરેસ્ટ" જેવી ઘટનાઓ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે તમામ હિતધારકોને નાગરિકોના રક્ષણ માટે મજબૂત વ્યૂહરચના વિકસાવવા અને ડિજિટલ બેન્કિંગ સિસ્ટમમાં વિશ્વાસ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
વ્યૂહાત્મક સંકલન અને કૌશલ્ય વર્ધન
ટેકનિકલ સત્રો દરમિયાન બેન્કિંગ અને વિકાસ એજન્સીઓના પ્રયત્નોના સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં લિડ બેંક સ્કીમ (LBS) ના નવીનતમ નિયમનકારી પાસાઓ અને પોટેન્શિયલ લિંક્ડ પ્લાન્સ (PLP) દ્વારા અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં ભંડોળનો પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા સ્તરીય ક્રેડિટ પ્લાન તૈયાર કરવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ક્ષેત્રીય સ્તરના અધિકારીઓની નેતૃત્વ ક્ષમતા અને નીતિ અમલીકરણના કૌશલ્યને મજબૂત બનાવવા પર ભાર મુકાયો હતો.
ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ
આ વર્કશોપમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી.કે. સિંઘલ, બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને SLBC કન્વીનર અશ્વિની કુમાર તથા બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને UTLBC કન્વીનર ક્રિશ્ન કુમાર સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, FIDD સેન્ટ્રલ ઓફિસ અને કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ બેન્કિંગ (CAB), પુણેના નિષ્ણાત ફેકલ્ટીઓએ પણ મહત્વના સૂચનો આપ્યા હતા. આ ઇવેન્ટ પ્રાદેશિક નાણાકીય એકીકરણ અને બેન્કિંગ સુલભતામાં રહેલા અંતરને દૂર કરવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
