News of Tuesday, 17th February 2026
કેમિકલ જાયન્ટ SRFના શેરમાં મોટું ગાબડું: પ્રમોટર્સ હિસ્સો વેચીને મેદાન છોડવાની તૈયારીમાં? રોકાણકારોમાં ફફડાટ અને 4%નો કડાકો
કામા હોલ્ડિંગ્સ SRFમાં પોતાનો 3% હિસ્સો વેચશે; શું પ્રમોટરનો હિસ્સો 50% થી નીચે જશે? મજબૂત નફા વચ્ચે પ્રમોટર્સના આ નિર્ણયે બજારને ચોંકાવ્યું

નવી દિલ્હી: શેરબજારમાં આજે કેમિકલ સેક્ટરની જાણીતી કંપની SRF લિમિટેડના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ પાછળનું મુખ્ય કારણ કંપનીની પ્રમોટર એન્ટિટી ‘કામા હોલ્ડિંગ્સ લિમિટેડ’ (Kama Holdings) દ્વારા હિસ્સો ઘટાડવાનો લેવાયેલો નિર્ણય છે. કામા હોલ્ડિંગ્સના બોર્ડે ખુલ્લા બજારમાં SRFના મહત્તમ ૩% શેર વેચવાની મંજૂરી આપતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો.
શેરબજારમાં બ્લડબાથ: એક જ દિવસમાં ₹112 ધોવાયા
આ સમાચાર વાયુવેગે ફેલાતા જ SRF ના શેર પર દબાણ વધ્યું હતું. ટ્રેડિંગ સત્ર દરમિયાન શેર ₹૨,૭૪૭.૧૦ ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. બજાર બંધ થવા સુધીમાં શેર ૪% (૩.૯૩%) ના ઘટાડા સાથે ₹૨,૭૩૫.૮૦ પર સ્થિર થયો હતો. જો પ્રમોટર્સ આ ૩% હિસ્સો સંપૂર્ણપણે વેચી દે, તો કંપનીમાં તેમનું નિયંત્રણ (Holding) ૫૦% થી નીચે જવાની શક્યતા છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે ચિંતાનો વિષય બની શકે છે.
૩૧ માર્ચ, ૨૦૨૭ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થશે
રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, પ્રમોટર્સ આ હિસ્સો એકસાથે નહીં પણ તબક્કાવાર ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધીમાં વેચશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ વેચાણ ‘ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન’ દ્વારા થશે અને તેમાં પ્રમોટર જૂથની જ કોઈ કંપની ખરીદદાર તરીકે સામેલ નહીં હોય. આ હિસ્સો વેચવા માટે હવે શેરધારકોની મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મજબૂત રિઝલ્ટ છતાં શેર કેમ પડ્યો?
રસપ્રદ વાત એ છે કે, SRF એ તાજેતરમાં જ ડિસેમ્બર ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર કર્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો આશરે ૬૦% વધીને ₹૪૩૨.૭ કરોડ થયો હતો. જોકે, બજારના વિશ્લેષકો માને છે કે જ્યારે પ્રમોટર્સ પોતે હિસ્સો વેચવાની વાત કરે, ત્યારે પ્રોફિટ ગમે તેટલો હોય પણ રોકાણકારોનો વિશ્વાસ ડગમગે છે.
SRF હાલમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફ્લોરોકેમિકલ્સ અને પેકેજિંગ ફિલ્મ્સ જેવા ક્ષેત્રોમાં મજબૂત પકડ ધરાવે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રમોટર્સના આ ‘એક્ઝિટ પ્લાન’ ની અસર કંપનીના ભાવિ વિસ્તરણ અને શેરની કિંમત પર કેવી રીતે પડે છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
