<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

અમેરિકામાં ખેલાયો લોહિયાળ ખેલ: હાઈસ્કૂલ હોકી ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર, ૨ ના મોત; હુમલાખોરે પોતે પણ જીવ ટૂંકાવ્યો

લાઈવ સ્ટ્રીમમાં કેદ થઈ ગોળીબારની ભયાનક ક્ષણો; ૧૨ રાઉન્ડ ફાયરિંગથી સ્ટેડિયમમાં મચી ગઈ નાસભાગ – ભારે ગિયર અને સ્કેટ્સ સાથે જ જીવ બચાવવા દોડ્યા ખેલાડીઓ

પાવટકેટ (અમેરિકા): અમેરિકાના રોડ આઈલેન્ડમાં સોમવારે બપોરે ત્યારે ચીસાચીસ મચી ગઈ જ્યારે એક હાઈસ્કૂલ હોકી મેચ લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ. પાવટકેટના ડેનિસ એમ લિંચ એરેનામાં રમાઈ રહેલી મેચ દરમિયાન એક બંદૂકધારીએ સ્ટેન્ડમાં બેઠેલા પ્રેક્ષકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં બે પુખ્ત વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલો કર્યા બાદ બંદૂકધારીએ પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી.
પારિવારિક વિવાદમાં બળી ગયું સ્ટેડિયમ
પોલીસના જણાવ્યા અનુસાર, આ કોઈ આતંકવાદી હુમલો નહીં પરંતુ એક 'લક્ષિત' (Targeted) હુમલો હતો, જે પારિવારિક વિવાદનું પરિણામ હતું. જ્યારે મેચ ચાલી રહી હતી ત્યારે સ્ટેન્ડમાં અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. શરૂઆતમાં ખેલાડીઓને લાગ્યું કે ફુગ્ગા ફૂટી રહ્યા છે, પરંતુ સતત ૧૨ ગોળીઓનો અવાજ આવતા જ ખેલાડીઓ અને ચાહકોમાં જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી.
 
લાઈવ વીડિયોમાં કેદ થઈ તબાહી
આ આખી ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમ થઈ રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ખેલાડીઓ બરફ પર રમી રહ્યા છે ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થાય છે. ખેલાડીઓ અને નાના બાળકો ભારે હોકી ગિયર અને સ્કેટ્સ પહેરેલી હાલતમાં જ નજીકની ફાર્મસી અને સ્ટોર્સમાં ઘૂસી ગયા હતા. પાર્કિંગમાં માતા-પિતા પોતાના બાળકોને ચુસ્તપણે પકડીને રડતા જોવા મળ્યા હતા, જે દ્રશ્યો કોઈપણનું કાળજું કંપાવી દે તેવા હતા.
 
પોલીસ અને FBI એ સંભાળ્યો મોરચો
પાવટકેટ પોલીસ વડા ટીના ગોનકાલ્વેસે જણાવ્યું હતું કે હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે અને હવે જનતા માટે કોઈ જોખમ નથી. FBI બોસ્ટનની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દિવસની રજા હોવાથી મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો મેચ જોવા આવ્યા હતા. બે મહિના પહેલા જ બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા ગોળીબાર બાદ આ બીજી મોટી ઘટનાએ સમગ્ર રોડ આઈલેન્ડમાં શોક અને ફફડાટ ફેલાવી દીધો છે.
હોસ્પિટલમાં દાખલ ત્રણ ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે. કૌટુંબિક ઝઘડો કેવી રીતે આટલા મોટા નરસંહારમાં પરિણમ્યો તે દિશામાં હવે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.

(7:23 PM IST)