તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 17th February 2026
અજિત પવાર વિમાન દુર્ઘટનામાં મોટો વળાંક: શું આ માત્ર અકસ્માત હતો કે કાવતરું? સુનેત્રા પવારે કરી CBI તપાસની માંગ
બારામતીમાં થયેલા એ વિસ્ફોટક વિમાન ક્રેશની તપાસ હવે કેન્દ્રીય એજન્સીના હાથમાં જશે : ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર અને પ્રફુલ પટેલે મુખ્યમંત્રી ફડણવીસને મળીને રજૂઆત કરી

મુંબઈ: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારના આકસ્મિક નિધનથી સર્જાયેલો શોક હવે ગંભીર શંકાઓ અને કાનૂની લડાઈમાં ફેરવાઈ રહ્યો છે. ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બારામતીમાં જે રીતે લિયરજેટ ૪૫ વિમાન ક્રેશ થયું અને શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં અજિત દાદા સહિત પાંચ લોકોના મોત થયા, તે ઘટનામાં હવે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે. મંગળવારે અજિત પવારના પત્ની અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ અને હસન મુશ્રીફ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. પરિવારે આ અકસ્માત પાછળના તથ્યોને બહાર લાવવા માટે દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી CBI દ્વારા તપાસ કરાવવાની ઔપચારિક વિનંતી કરી છે.
દુર્ઘટનાની વિગતો મુજબ, ૨૮ જાન્યુઆરીની એ કાળી સવારે અજિત પવાર મુંબઈથી બારામતી સભા સંબોધવા જઈ રહ્યા હતા. સવારે ૮:૪૬ વાગ્યે રનવે પર ઉતરાણના બીજા પ્રયાસ વખતે વિમાન અચાનક નિયંત્રણ બહાર ગયું અને જોતજોતામાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. પ્રારંભિક તપાસમાં ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા, પરંતુ પરિવાર અને NCP (અજિત જૂથ) ને લાગે છે કે આટલા આધુનિક વિમાનમાં અચાનક થયેલા વિસ્ફોટો પાછળ કોઈ અજાણ્યું કારણ હોઈ શકે છે. સુનિલ તટકરેએ સ્પષ્ટ કર્યું કે, "દાદાના આકસ્મિક મૃત્યુ પાછળના દરેક પાસાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે, જેથી સત્ય સામે આવી શકે."
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે અત્યંત સંવેદનશીલતા દાખવી છે. તેમણે પવાર પરિવારને ખાતરી આપી છે કે રાજ્ય સરકાર આ મુદ્દે સંપૂર્ણ સહયોગ કરશે. ફડણવીસે જણાવ્યું કે, આવતીકાલે જ કેન્દ્રીય ગૃહમંત્રીને સત્તાવાર પત્ર લખીને આ કેસની તપાસ CBI ને સોંપવાની ભલામણ કરવામાં આવશે. અજિત પવાર જેવા કદાવર નેતાના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં જે ખાલીપો પડ્યો છે, તેની વચ્ચે આ તપાસની માંગ આગામી દિવસોમાં રાજકીય ગલિયારાઓમાં નવો ગરમાવો લાવી શકે છે. હવે સૌની નજર કેન્દ્ર સરકારના નિર્ણય અને વિમાનના 'બ્લેક બોક્સ' માંથી મળનારા ડેટા પર ટકેલી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
