News of Tuesday, 17th February 2026
શોપિંગનો બદલાતો અંદાજ: હવે 'AI' નક્કી કરશે અસલી છે કે નકલી! સ્માર્ટ ખરીદીના યુગમાં ૭૦,૦૦૦ ભારતીયોનો મોટો ખુલાસો
ઓનલાઈન શોપિંગમાં કલાકો સુધી પ્રોડક્ટ શોધવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ : ૧૦ માંથી ૭ ભારતીયો હવે AI ના સહારે કરવા માંગે છે ખરીદી: પરંતુ ડેટા ચોરી અને પ્રાયોજિત પ્રોડક્ટ્સ બતાવવાના ડરથી ગ્રાહકોમાં ફફડાટ

નવી દિલ્હી: ભારતમાં ઓનલાઈન શોપિંગની વ્યાખ્યા હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ના કારણે બદલાઈ રહી છે. લોકલસર્કલ્સના એક વ્યાપક સર્વેમાં બહાર આવ્યું છે કે દેશના ૩૩૨ જિલ્લાઓના લગભગ ૭૫,૦૦૦ ગ્રાહકો હવે શોપિંગ કરવા માટે AI ટેકનોલોજી પર ભરોસો કરવા તૈયાર છે. ગ્રાહકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે હજારો પ્રોડક્ટ્સમાંથી યોગ્ય વસ્તુ શોધવામાં તેમનો કલાકોનો સમય બગડે છે. હવે, ૭૦% થી વધુ લોકો અપેક્ષા રાખે છે કે AI તેમની પસંદગી અને બજેટને સમજીને માત્ર મિનિટોમાં જ શ્રેષ્ઠ વિકલ્પો ફિલ્ટર કરીને આપશે. આ ટેકનોલોજી માત્ર સમય જ નહીં બચાવે, પણ 'કિંમત, ડિલિવરી સ્પીડ અને રિટર્ન પોલિસી' વચ્ચે યોગ્ય સંતુલન જાળવવામાં પણ મદદરૂપ થશે.
આ સર્વેનો સૌથી ચોંકાવનારો પાસું 'અસલી અને નકલી' પ્રોડક્ટ્સની ઓળખ છે. ઓનલાઈન માર્કેટમાં ડુપ્લીકેટ વસ્તુઓનો રાફડો ફાટ્યો છે ત્યારે ૬૮% ગ્રાહકો હવે ઉત્પાદન અને વેચનારની અધિકૃતતા ચકાસવા માટે AI ની મદદ લેવા માંગે છે. ગ્રાહકો ઈચ્છે છે કે AI માત્ર ફોટા જ નહીં, પરંતુ રિવ્યુ અને રેટિંગ્સની સત્યતા પણ તપાસે જેથી છેતરપિંડીથી બચી શકાય. રસપ્રદ વાત એ છે કે લોકો ChatGPT કે Gemini જેવા અલગ પ્લેટફોર્મ પર જવાને બદલે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી એપ્સના સર્ચ બારમાં જ બિલ્ટ-ઇન AI સુવિધાની માંગ કરી રહ્યા છે, જેથી ફોટો પાડીને કે બોલીને સીધું જ સર્ચ કરી શકાય.
જોકે, આ નવી ટેકનોલોજી પ્રત્યે લોકોમાં ભારે ડર પણ જોવા મળી રહ્યો છે. સર્વે અનુસાર, ૭૦% ગ્રાહકોને ડર છે કે AI નો ઉપયોગ કરવાથી તેમનો ખાનગી ડેટા ચોરી થઈ શકે છે અથવા તેનો દુરુપયોગ થઈ શકે છે. લોકોમાં એવી પણ ચિંતા છે કે શું AI ખરેખર નિષ્પક્ષ રહેશે કે પછી માત્ર 'પ્રાયોજિત' પ્રોડક્ટ્સ જ બતાવશે જેનાથી કંપનીઓને વધુ નફો થતો હોય. ગ્રાહકોએ સ્પષ્ટપણે માંગ કરી છે કે જો કંપનીઓ ઓનલાઈન શોપિંગમાં AI દાખલ કરે છે, તો તેમણે ડેટા પારદર્શિતા અને સુરક્ષાના કડક નિયમો પાળવા પડશે. ટેકનોલોજીના આ જાદુ વચ્ચે ગ્રાહકોનો વિશ્વાસ જીતવો એ ઈ-કોમર્સ કંપનીઓ માટે હવે સૌથી મોટો પડકાર છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
