<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

બાંગ્લાદેશમાં 'રહેમાન સરકાર'નો માસ્ટરસ્ટ્રોક: મંત્રીમંડળમાં હિન્દુ અને બૌદ્ધ ચહેરાઓને સ્થાન : ભારત સાથેના સંબંધોમાં આવશે નવો વળાંક!

તારિક રહેમાનની ૪૯ સભ્યોની ટીમમાં વરિષ્ઠ વકીલ નિતાઈ રોય ચૌધરી અને બૌદ્ધ નેતા દિપેન દીવાન ચકમાએ મંત્રી તરીકે લીધા શપથ : લઘુમતી સમુદાયના ચાર વિજેતા ઉમેદવારોમાંથી બેને કેબિનેટમાં સ્થાન આપીને પીએમ રહેમાને આપ્યો સમાનતાનો સંદેશ

ઢાકા:  બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનના તોફાન બાદ હવે શાંતિ અને સર્વસમાવેશકતાના નવા પર્વની શરૂઆત થઈ છે. વડાપ્રધાન તારિક રહેમાને પોતાના મંત્રીમંડળની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. ખાસ કરીને ભારત અને પડોશી દેશોની નજર જે બાબત પર હતી, તે લઘુમતીઓના પ્રતિનિધિત્વ પર રહેમાને મહોર લગાવી દીધી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ની આ નવી સરકારમાં પ્રખ્યાત હિન્દુ નેતા નિતાઈ રોય ચૌધરી અને બૌદ્ધ સમુદાયના મજબૂત અવાજ એવા દિપેન દીવાન ચકમાનો સમાવેશ કરીને સરકારે એક મોટો રાજદ્વારી અને સામાજિક સંદેશ આપ્યો છે. આ પગલાને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અને ભરોસો જીતવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

મંત્રી બનેલા નિતાઈ રોય ચૌધરી કોઈ સાધારણ નામ નથી; તેઓ BNP ની સર્વોચ્ચ નીતિ-નિર્માણ સમિતિના સભ્ય અને વરિષ્ઠ વકીલ છે. મગુરા વેસ્ટ બેઠક પરથી જમાત-એ-ઈસ્લામીના ઉમેદવારને હરાવીને તેમણે સાબિત કર્યું છે કે તેમની લોકપ્રિયતા પક્ષ અને સમુદાયથી ઉપર છે. બીજી તરફ, બૌદ્ધ નેતા દિપેન દીવાન ચકમા દક્ષિણપૂર્વ રંગમાતી પહાડી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પૂર્વ સલાહકારના પુત્ર છે અને કાયદાકીય ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. આ બંને નેતાઓનો અનુભવ તારિક સરકારને દેશમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં તેમજ લઘુમતીઓના પ્રશ્નો ઉકેલવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.

બાંગ્લાદેશની નવી સંસદમાં કુલ ચાર લઘુમતી નેતાઓએ BNP ની ટિકિટ પર જીત મેળવી છે, જે પોતે જ એક મોટો વિક્રમ છે. તારિક રહેમાન છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં બાંગ્લાદેશનું નેતૃત્વ કરનાર પ્રથમ પુરુષ વડાપ્રધાન બન્યા છે, કારણ કે અત્યાર સુધી સત્તા ખાલિદા ઝિયા અને શેખ હસીના વચ્ચે જ ફરતી હતી. ૪૯ સભ્યોના આ વિશાળ મંત્રીમંડળમાં વિવિધ સમુદાયોને સ્થાન આપીને રહેમાને સંકેત આપ્યો છે કે તેઓ 'નવી બાંગ્લાદેશી ઓળખ' બનાવવા માંગે છે. હવે જ્યારે મંગળવારે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો છે, ત્યારે ભારત સહિતનો આંતરરાષ્ટ્રીય સમુદાય આશા રાખી રહ્યો છે કે આ નવી સરકાર લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરશે અને પ્રાદેશિક સ્થિરતા જાળવશે.

(8:03 PM IST)