News of Tuesday, 17th February 2026
બાંગ્લાદેશમાં સત્તાપલટો: તારિક રહેમાને વડાપ્રધાન પદના શપથ લેતા જ મોહમ્મદ યુનુસના એજન્ડાના લીરેલીરા ઉડાડ્યા; યુનુસના સાથીદારોમાં દેશ છોડવાની હોડ જામી
વિદાય લેતા લેતા પણ મોહમ્મદ યુનુસે ભારતની ‘સેવન સિસ્ટર્સ’ સામે ઓક્યું ઝેર – નવા વડાપ્રધાને ‘જુલાઈ ચાર્ટર’ ફગાવીને યુનુસના સપનાઓ પર ફેરવ્યું પાણી

ઢાકા: બાંગ્લાદેશમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે, પરંતુ નવા વિવાદોની શરૂઆત થઈ છે. મોહમ્મદ યુનુસના રાજીનામા બાદ તારિક રહેમાને બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી છે. શપથ લેતાની સાથે જ રહેમાને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે દેશ યુનુસના પ્રભાવમાંથી મુક્ત થશે. તારિક રહેમાનની પાર્ટી BNP ના સાંસદોએ સંસદમાં શપથ તો લીધા, પણ યુનુસ દ્વારા બનાવાયેલી 'રિફોર્મ કાઉન્સિલ' (સુધાર પરિષદ) માં જોડાવાનો સાફ ઈનકાર કરી દીધો છે, જેને યુનુસ માટે મોટો વ્યક્તિગત અને રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
તારિક રહેમાનના આગમન સાથે જ જૂની સરકારના વહીવટદારોમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનુસના અતિ નજીકના ગણાતા સલાહકાર ફૈઝ અહેમદ તૈયબ જર્મની ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે ખુદ મોહમ્મદ યુનુસ પણ બાંગ્લાદેશ છોડી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. નવા વડાપ્રધાને યુનુસના મહત્વાકાંક્ષી 'જુલાઈ ચાર્ટર ૨૦૨૪' ને કચરાપેટીમાં નાખી દીધું છે. આ ચાર્ટર હેઠળ વડાપ્રધાનની શક્તિઓ ઘટાડવાની જોગવાઈ હતી, જેને રહેમાને પોતાના સત્તાના એજન્ડામાં અવરોધ ગણી ફગાવી દીધું છે.
ભારત સામે સીધું નિશાન: જતા-જતા પણ મોહમ્મદ યુનુસ પોતાની ભારત વિરોધી માનસિકતા છુપાવી શક્યા નથી. પોતાના અંતિમ સંબોધનમાં તેમણે ભારતની 'સેવન સિસ્ટર્સ' (પૂર્વોત્તર રાજ્યો) ને લઈને અત્યંત ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશના સમુદ્ર અને બંદરો માત્ર ભૌગોલિક સીમા નથી, પણ ભારત સામે આર્થિક અને વ્યૂહાત્મક દબાણ લાવવાનું સાધન છે. ખાસ કરીને ભારતના ‘ચિકન્સ નેક’ ગણાતા સિલીગુડી કોરિડોર નજીક અસ્થિરતા પેદા કરવાના યુનુસના ઈશારાથી ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.
હવે દુનિયાની નજર તારિક રહેમાન પર છે. શું તેઓ યુનુસની જેમ ભારત વિરોધી રસ્તો અપનાવશે કે પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી ઉષ્મા આવશે? બાંગ્લાદેશની આ રાજકીય અસ્થિરતા દક્ષિણ એશિયામાં આર્થિક અને વ્યૂહાત્મક ઉથલપાથલ સર્જી શકે છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો સાથેના વેપાર અને સરહદી સુરક્ષા માટે આ પરિવર્તન અત્યંત નિર્ણાયક સાબિત થશે.
બાંગ્લાદેશમાં આવેલી આ રાજકીય સુનામી માત્ર ઢાકા પૂરતી સીમિત નથી, તેની અસર દિલ્હી સુધી અનુભવાઈ રહી છે
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
