News of Tuesday, 17th February 2026
પીએમ મોદીની પડોશી પ્રથમ નીતિ: બાંગ્લાદેશના નવા પીએમ તારિક રહેમાનને ભારત આવવાનું ખાસ આમંત્રણ!
ઢાકાના શપથ ગ્રહણ સમારોહમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પીએમ મોદીનો અંગત પત્ર સોંપ્યો , "તમારું હાર્દિક સ્વાગત છે"

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા પીએમ તારિક રહેમાનને તેમની પ્રચંડ જીત બદલ અભિનંદન પાઠવવાની સાથે જ તેમને સપરિવાર ભારત આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું છે. મંગળવારે ઢાકા ખાતે યોજાયેલા ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં ભારત વતી ખાસ ઉપસ્થિત રહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પીએમ મોદીનો આ પત્ર તારિક રહેમાનને રૂબરૂ સોંપ્યો હતો. મોદીએ આ પત્રમાં તારિક રહેમાનની સાથે તેમના પત્ની ડૉ. ઝુબૈદા અને પુત્રી ઝૈમાને પણ ભારતની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે.
પીએમ મોદીએ પોતાના પત્રમાં તારિક રહેમાનના નેતૃત્વ પર બાંગ્લાદેશની જનતાએ મૂકેલા વિશ્વાસની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું છે કે, આ જીત બાંગ્લાદેશને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિના પંથે લઈ જવાના વિઝનનો આદેશ છે. ભારત અને બાંગ્લાદેશ માત્ર પડોશી જ નહીં, પરંતુ સહિયારો ઇતિહાસ અને ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવતા મિત્રો છે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ વચ્ચેનો સમન્વય આવનારા સમયમાં દ્વિપક્ષીય સહયોગ માટે માર્ગદર્શક બનશે. આ આમંત્રણ સ્પષ્ટ કરે છે કે ભારત બાંગ્લાદેશની નવી સરકાર સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરવા માટે અત્યંત ઉત્સુક છે.
આગામી સમયમાં બંને દેશો વેપાર, ટેકનોલોજી, ઉર્જા અને આરોગ્ય જેવા મહત્વના ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે તૈયાર છે. પીએમ મોદીએ તેમના પત્રમાં કનેક્ટિવિટી અને લોકો-થી-લોકોના સંપર્કને વધુ મજબૂત બનાવવાની વાત કરી છે. બે ઝડપથી વિકસતા અર્થતંત્રો તરીકે ભારત અને બાંગ્લાદેશ એકબીજાની સુરક્ષા અને સમૃદ્ધિ માટે ઉત્પ્રેરક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે તારિક રહેમાન ભારતની મુલાકાત ક્યારે લે છે, પરંતુ પીએમ મોદીના આ આત્મીય આમંત્રણથી દક્ષિણ એશિયાના રાજકારણમાં સકારાત્મક સંદેશો વહેતો થયો છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
