<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

શ્રી ભાગવતનું લખનૌમાં મહત્વનું નિવેદન - "હિન્દુ પરિવારોમાં ૩ બાળકો હોવા જોઈએ": ધર્માંતરણ અને વસ્તી મુદ્દે RSS વડાની લાલ આંખ

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ટાંકીને શ્રી ભાગવતે વસ્તી ઘટાડા સામે ચેતવ્યા : "લગ્ન વાસના સંતોષવા નહીં પણ સંતાન પ્રાપ્તિ અને કર્તવ્ય માટે છે", ઘૂસણખોરોને દેશનિકાલ કરવા અને 'ઘર વાપસી' તેજ બનાવવા લખનૌના મંચ પરથી આહ્વાન

લખનૌ:  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે લખનૌના નિરાલા નગરમાં આયોજિત 'સામાજિક સદ્ભાવ બેઠક' માં હિન્દુ સમાજને એક મોટો અને વિવાદાસ્પદ મંત્ર આપ્યો છે. ઘટતી હિન્દુ વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હિન્દુઓને ઓછામાં ઓછા ત્રણ બાળકો હોવા જોઈએ." તેમણે વૈજ્ઞાનિકોને ટાંકીને ચેતવણી આપી કે જે સમાજમાં સરેરાશ ત્રણ કરતા ઓછા બાળકો હોય છે, તે સમાજ ભવિષ્યમાં અસ્તિત્વ ટકાવી શકતો નથી. શ્રી ભાગવતે નવપરિણીત યુગલોને આ સંદેશ પહોંચાડવા સ્વયંસેવકોને હાકલ કરી હતી અને ઉમેર્યું હતું કે લગ્નનો હેતુ માત્ર વાસના સંતોષવાનો નહીં પણ દુનિયાને આગળ ધપાવવાનો અને કર્તવ્ય નિભાવવાનો હોવો જોઈએ.

ધર્માંતરણ અને ઘૂસણખોરીના મુદ્દે પણ ડો. મોહન ભાગવતે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે લોભ, લાલચ કે બળજબરીથી થતા ધર્માંતરણનો અંત લાવવા અને 'ઘર વાપસી' (હિન્દુ ધર્મમાં પુનઃ પ્રવેશ) ની પ્રક્રિયાને વધુ વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઘૂસણખોરો વિશે બોલતા તેમણે કહ્યું કે, "ઘૂસણખોરોને શોધી કાઢવા જોઈએ, તેમને કોઈપણ પ્રકારની રોજગારી ન આપવી જોઈએ અને અંતે તેમને દેશનિકાલ કરવા જોઈએ." તેમણે સંવાદિતા વધારવા પર ભાર મૂકતા જણાવ્યું કે જો સમાજમાં પોતાનુંપણું હશે તો જ્ઞાતિવાદ અને ભેદભાવ જેવી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે.

માતૃશક્તિના મહત્વ પર પ્રકાશ પાડતા આરએસએસ વડાએ કહ્યું કે સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે અને તેમને સ્વરક્ષણ માટે તૈયાર કરવી જોઈએ. તેમણે પશ્ચિમની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે ભારતમાં સ્ત્રીને 'માતા' માનવામાં આવે છે. આ કાર્યક્રમમાં શીખ, બૌદ્ધ, જૈન અને ઇસ્કોન સહિત અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. શ્રી ભાગવતે અંતમાં ચેતવણી આપી હતી કે અમેરિકા અને ચીન જેવી શક્તિઓ ભારતની આંતરિક સદ્ભાવના બગાડવા કાવતરું ઘડી રહી છે, તેથી આપણે એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ છોડીને રાષ્ટ્રના વિકાસ માટે એક થવું પડશે.

(10:01 PM IST)