News of Tuesday, 17th February 2026
જમ્મુથી ફરાર થયેલા પાકિસ્તાની આતંકીઓ અંબાલામાં ઝડપાયા: હરિયાણા STF એ રેલવે સ્ટેશન પર બિછાવી જાળ; મુખ્ય સૂત્રધાર હજુ પણ એજન્સીઓની પકડથી દૂર
આરએસ પુરા કિશોર ગૃહમાંથી સુરક્ષામાં છીંડા પાડી ભાગ્યા હતા ત્રણ કેદીઓ – પકડાયેલા પાકિસ્તાની યુવકો ૨૦૧૯ અને ૨૦૨૧ થી હતા જેલવાસમાં, હવે આતંકી કનેક્શનની તપાસ તેજ

અંબાલા: જમ્મુના આરએસ પુરા સ્થિત કિશોર ગૃહમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલા ત્રણ આતંકીઓ પૈકી બે પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને અંબાલા પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંબાલા રેલવે સ્ટેશન પરથી આ બંનેની ધરપકડ કરી છે. જોકે, આ આખી ઘટનાનો મુખ્ય સૂત્રધાર અને ત્રીજો ભારતીય સાથી હજુ પણ પોલીસ પકડથી બહાર હોવાથી શોધખોળ તેજ કરવામાં આવી છે.
એસટીએફના એસપી વિક્રાંત ભૂષણ અને ડીએસપી અમનના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ૨૦ વર્ષીય મોહમ્મદ સાનુલા અને ૨૧ વર્ષીય અહેસાન અનવર તરીકે થઈ છે. આ બંને પાકિસ્તાનના રહેવાસી છે અને જમ્મુના કિશોર ગૃહમાં લાંબા સમયથી કેદ હતા. પોલીસને બાતમી મળી હતી કે ફરાર થયા બાદ આ આતંકીઓ ટ્રેન મારફતે અન્ય રાજ્યમાં જવાની ફિરાકમાં છે, જેના આધારે અંબાલા રેલવે સ્ટેશન પર કડક વોચ ગોઠવીને તેમને દબોચી લેવામાં આવ્યા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે એક આરોપી ૨૦૧૯ થી અને બીજો ૨૦૨૧ થી સુરક્ષા એજન્સીઓની કસ્ટડીમાં હતો. કિશોર ગૃહ જેવી સુરક્ષિત જગ્યાએથી આતંકી પૃષ્ઠભૂમિ ધરાવતા કેદીઓ કેવી રીતે ભાગી છૂટ્યા, તે જમ્મુ પોલીસ અને જેલ પ્રશાસન માટે તપાસનો વિષય બન્યો છે. એજન્સીઓ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું તેમને ફરાર થવામાં કોઈ બહારની મદદ મળી હતી કે કેમ?
આ ત્રિપુટીમાં એક ભારતીય શખ્સ પણ સામેલ હતો, જે આ બંને પાકિસ્તાનીઓને સુરક્ષિત રસ્તો બતાવવામાં મદદ કરી રહ્યો હોવાની શંકા છે. આ મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે અને તે કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા તેને પકડવા માટે પંજાબ, હરિયાણા અને જમ્મુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પકડાયેલા બંને પાકિસ્તાનીઓની અત્યારે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી તેમના ભાવિ પ્લાન વિશે જાણી શકાય.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
