<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

મલ્હોત્રા પરિવાર પર આભ ફાટ્યું: સિદ્ધાર્થના પિતા અને પૂર્વ મર્ચન્ટ નેવી કેપ્ટન સુનીલ મલ્હોત્રાનું નિધન: કિયારા-સિદ્ધાર્થ દિલ્હી દોડી ગયા

લાંબી માંદગી બાદ ૧૪ ફેબ્રુઆરીએ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા : ચાહકોમાં શોકની લહેર

નવી દિલ્હી:  બોલિવૂડના સ્ટાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સિદ્ધાર્થના પિતા અને ભૂતપૂર્વ મર્ચન્ટ નેવી કેપ્ટન સુનીલ મલ્હોત્રાનું શનિવાર, ૧૪ ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતાની સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા અડવાણી મુંબઈથી તમામ કામ પડતા મૂકીને તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર દિલ્હીમાં જ પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યાં સિદ્ધાર્થ અત્યંત ભાવુક જોવા મળ્યો હતો. પરિવારે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસી જાળવવાની વિનંતી કરી છે.

સિદ્ધાર્થ તેના પિતાની ખૂબ જ નજીક હતો. તેના પિતા લકવાગ્રસ્ત હોવાને કારણે વ્હીલચેરનો ઉપયોગ કરતા હતા, પરંતુ સિદ્ધાર્થે ક્યારેય તેમને એકલતાનો અહેસાસ થવા દીધો ન હતો. ફિલ્મ 'યોદ્ધા'ના સ્ક્રીનિંગ વખતે હોય કે સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું રિસેપ્શન, સિદ્ધાર્થ હંમેશા તેના પિતાનો હાથ પકડીને તેમની સંભાળ રાખતો જોવા મળતો હતો. કિયારા અડવાણીએ પણ એક આદર્શ પુત્રવધૂની જેમ તેમના પિતાની સેવામાં કોઈ કમી રાખી ન હતી. સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા ફોટાઓમાં આ દંપતીની પિતા પ્રત્યેની આસ્થા અને પ્રેમ સ્પષ્ટપણે દેખાતો હતો, જેની ચાહકો પણ ખૂબ પ્રશંસા કરતા હતા.

સિદ્ધાર્થે અગાઉ પણ એક મુલાકાતમાં પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કામના કારણે મુંબઈ રહેવું પડે છે તેનો તેને ક્યારેક અફસોસ થાય છે કારણ કે દિલ્હીમાં તેની માતાએ પિતાની એકલા હાથે સંભાળ રાખવી પડે છે. કેપ્ટન સુનીલ મલ્હોત્રાના નિધનથી માત્ર મલ્હોત્રા પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અનેક બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી સિદ્ધાર્થ અને કિયારાને સાંત્વના આપી રહ્યા છે. એક લડાયક કેપ્ટન અને વત્સલ પિતા તરીકે સુનીલ મલ્હોત્રાની ખોટ તેમના પરિવારને હંમેશા વર્તાશે.

(9:57 PM IST)