News of Tuesday, 17th February 2026
ખેડૂતોના નસીબ પર 'વીમા માફિયા'ની નજર: પીએમ પાક વીમા યોજનામાં ₹1,150 કરોડનું મહાકૌભાંડ : મંત્રીએ જાતે બેંકમાં જઈને કર્યો પર્દાફાશ!
રાજસ્થાનમાં નકલી ખેડૂતો અને કાગળ પરની જમીનો બતાવીને કરોડોના દાવા હડપવાનું સુવ્યવસ્થિત કાવતરું: એસબીઆઈ બેંક અને વીમા કંપનીઓની મિલીભગત સામે SOG તપાસનો આદેશ

જયપુર : પ્રધાનમંત્રી પાક વીમા યોજના, જે ખેડૂતો માટે મુશ્કેલ સમયની 'સલામતી કવચ' ગણાય છે, તેમાં ₹1,150 કરોડનું મસમોટું કૌભાંડ સામે આવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ જ્યારે જાતે મેદાનમાં ઉતરીને તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ચુરુ જિલ્લાના સાલાસરની એસબીઆઈ શાખામાં એવા 71 ખેડૂતોના વીમા લેવાયા હતા જેમના નામ કે જમીનનું અસ્તિત્વ જ નહોતું! મંત્રીએ જ્યારે બેંક મેનેજરને રૂબરૂ મળીને આ 'ભૂતિયા' ખેડૂતો વિશે પૂછ્યું, ત્યારે બેંક સત્તાવાળાઓ નિરુત્તર થઈ ગયા હતા. આ માત્ર એક નાની કડી હતી, જેની પાછળ બેંકો અને વીમા કંપનીઓની સાંઠગાંઠનું એક મોટું નેટવર્ક હોવાની આશંકા છે.
કૌભાંડની પદ્ધતિ એટલી શાતિર હતી કે કાગળ પર ખેડૂતો ઊભા કરવામાં આવ્યા અને કરોડોના વીમા દાવાઓ પાસ કરાવી લેવામાં આવ્યા. શ્રી ગંગાનગરના કરણપુરમાં તો હદ થઈ ગઈ; ત્યાં વીમા કંપનીએ પાકનું નુકસાન 'શૂન્ય' બતાવ્યું, જ્યારે સરકારી તપાસમાં 50 થી 70 ટકા પાક બરબાદ થયો હોવાનું માલૂમ પડ્યું હતું. આ રીતે ખેડૂતોને મળવાપાત્ર ₹128 કરોડની ઉચાપત કરવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ છે. વિધાનસભામાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો હતો, જ્યાં વિપક્ષે ખેડૂતોના હક છીનવાઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. કૃષિ મંત્રીએ સ્વીકાર્યું છે કે આ કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ એક 'સંગઠિત વીમા માફિયા'નું કામ છે જે ઘણા જિલ્લાઓમાં સક્રિય છે.
આ ગંભીર પરિસ્થિતિને જોતા રાજસ્થાન સરકારે હવે તપાસની લગામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સોંપી દીધી છે. તપાસનો વ્યાપ હવે રાજસ્થાનની બહારના રાજ્યો સુધી પણ લંબાઈ શકે તેમ છે, કારણ કે આમાં સંડોવાયેલી ગેંગના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાની આશંકા છે. ચુરુ એસબીઆઈના મેનેજર અને વીમા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સામે ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે SOG આ કૌભાંડના મૂળ સુધી કેવી રીતે પહોંચે છે અને ખેડૂતોને તેમનો ન્યાય ક્યારે મળે છે. ખેડૂતો અત્યારે આશાભરી નજરે તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જેથી ભવિષ્યમાં તેમની મહેનતના નાણાં કોઈ માફિયા હડપ ન કરી જાય.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
