<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

અમદાવાદમાં વિવાદિત આસારામ બાપુ આશ્રમ દ્વારા જમીન દબાણના મામલે હાઈકોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી

અમદાવાદમાં વિવાદિત આસારામ બાપુ આશ્રમ દ્વારા જમીન દબાણના મામલે મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. આશરે ૪૫ હજાર ચોરસ મીટર જમીન સંબંધિત વિવાદ વકર્યો છે.

શહેરના મોટેરા સ્થિત આસારામ આશ્રમ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો લાંબા સમયથી ચાલી રહ્યા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટના એકલ ન્યાયાધીશે (સિંગલ જજ) અગાઉ મહત્વનો ચુકાદો આપતા રાજ્ય સરકારને આશ્રમ પાસેથી જમીન પરત લેવા મંજૂરી આપી હતી. મોટેરા સ્થિત આ જમીન પર આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામ ઉભું કરાયું હોવાના ગંભીર આક્ષેપો છે. જોકે, એકલ ન્યાયાધીશના આ નિર્ણયને આશ્રમ સત્તાવાળાઓ દ્વારા વિભાગીય ખંડપીઠ (ડિવિઝન બેન્ચ) સમક્ષ પડકારવામાં આવ્યો છે.

આજે આ હાઈ પ્રોફાઈલ કેસમાં હાઈકોર્ટની વિભાગીય ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરાશે. આ કેસની વિગતો મુજબ, આશરે ૪૫,૦૦૦ ચોરસ મીટર જેટલી વિશાળ જમીનનો આ વિવાદ છે. અગાઉ હાઈકોર્ટે કડક વલણ દાખવતા રાજ્ય સરકારને આ જમીનનો કબજો પરત લેવા માટે લીલી ઝંડી આપી હતી, પરંતુ આશ્રમ ટ્રસ્ટ દ્વારા કાનૂની લડત આગળ ધપાવવામાં આવી છે. કાનૂની અને પ્રશાસનિક વર્તુળોમાં આજની સુનાવણી પર સૌની નજર રહેલી છે, કારણ કે આ નિર્ણય આશ્રમના ભવિષ્ય અને સરકારી જમીન પરના દબાણો હટાવવાની ઝુંબેશ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ મામલે કોર્ટમાં મજબૂત રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે.*

(9:28 AM IST)