તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 18th February 2026
દુનિયામાં સૌથી વધારે છૂટાછેડાના કેસ સ્પેનમાં બને છે
આ નાના એવા દેશમાં લગભગ ૮૬ ટકા પરણેલા કપલ કોઈને કોઈ કારણથી છૂટાછેડા લઈ લેતા હોય છે : સ્પેન બાદ રશિયા છૂટાછેડાના કેસોમાં આગળ છે. રશિયામાં ૭૪ ટકા છૂટાછેડાના કેસ સામે આવ્યાઃ ભારતમાં ભલે ગમે તેટલી પヘમિી દેશોની નકલ થાય, ભારતમાં હજુ પણ છૂટાછેડાના કેસ ૧ ટકાથી પણ ઓછા છે

લંડન,તા.૧૮: જ્યારે પણ મનમાં છૂટાછેડા વિશે વિચાર આવે તો એ જ ખ્યાલ આવે કે અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં વધારે છૂટાછેડા થતા હશે. તો વળી એવું પણ લાગતું હશે કે આ મામલામાં હવે ભારત પણ ઝડપથી આગળ નીકળી રહ્યું છે. પણ જો તમે આવું વિચારો છો તો આ રિપોર્ટ તમારી આંખો ઉઘાડી નાખશે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટમાં ગ્લોબલ ડાઇવોર્સ રેટ વિશે વાત કરી છે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દુનિયામાં સૌથી વધારે છૂટાછેડાના કેસ સ્પેનમાં બને છે. આ ખૂબ જ ચોંકાવનારી વાત છે. આ નાના એવા દેશમાં લગભગ ૮૬ ટકા પરણેલા કપલ કોઈને કોઈ કારણથી છૂટાછેડા લઈ લેતા હોય છે. સારી વાત એ છે કે ભારત આ મામલે ખૂબ જ પાછળ છે જે આપના વિચારને બદલી શકે છે.
સ્પેનમાં થાય છે સૌથી વધારે છૂટાછેડા રિપોર્ટમાં કહેવાયું છે કે સ્પેન દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં છૂટાછેડાના કેસો સૌથી વધારે છે. અહીં ૫૦થી ૮૫ ટકા લગ્ન તૂટી જાય છે. જે લોકો છૂટાછેડા નથી લેતા, તેઓ અલગ રહેવા લાગે છે, પણ લગ્નનો અંત બહુ વધારે છે. ૨૦૨૩ના આંકડા અનુસાર, સ્પેનમાં પ્રતિ સોમાંથી ૪૪.૭ ટકા લગ્ન તૂટી ગયા. ૨૦૨૪માં ૮૨,૯૯૧ છૂટાછેડા રેકોર્ડ થયા, જ્યારે તેનાથી ક્યાંય વધારે પતિ અથવા પત્નીથી અલગ રહેવાનો નિર્ણય કરી લીધો.
સ્પેનમાં આટલા છૂટાછેડા થવાનું કારણ? તેની પાછળ કેટલાય સામાજિક, કાનૂની અને સાંસ્કૃતિક કારણ હોઈ શકે છે. જે રીતે ભારતમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ એક અભિશાપ માનવામાં આવે છે. તેનાથી એકદમ વિપરીત સ્પેનનો સમાજ ખુલ્લો અને ઉદાર છે. ત્યાં છૂટાછેડાને ખૂબ જ પ્રગતિશીલ વિચાર માનવામાં આવે છે. કેમ કે સ્પેનમાં મહિલા અને પુરુષ બંને આજીવિકા માટે સમાન રીતે કામ કરે છે. તેથી બંને પાર્ટનર આર્થિક રીતે સ્વતંત્ર હોય છે. આવા સમયે નિષ્ફળ સંબંધને નાછૂટકે ટકાવી રાખવાની મજબૂરી તેમનામાં હોતી નથી. અહીં મહિલાઓ સક્રિય રીતે નોકરી-ધંધામાં જોડાયેલી છે. સૌથી મોટી વાત એ છે કે સ્પેનમાં લગ્ન પહેલા સાથે રહેવાની પરંપરા ઘર કરી ગઈ છે. સંબંધોને લઈને વિચારો ખૂબ જ આગળ નીકળી ચુક્યા છે. તેમાં જો મન નથી મળતું તો અલગ થવામાં કોઈ ખાસ તકલીફ રહેતી નથી. વળી મોડે લગ્ન કરવાથી માણસનું મન એક અલગ ધારા તરીકે વિકસિત થઈ જાય છે જે કોઈ બીજા સાથે મન મળવામાં તકલીફો ઊભી કરે છે.
અન્ય દેશોની શું છે હાલત આ રિપોર્ટ અનુસાર, સ્પેન બાદ રશિયા છૂટાછેડાના કેસોમાં આગળ છે. રશિયામાં ૭૪ ટકા છૂટાછેડાના કેસ સામે આવ્યા છે. તો વળી પાડોશી યુક્રેન પણ પાછળ નથી. ત્યાં ૭૧ ટકા છૂટાછેડા થાય છે. યુરોપીય દેશ ઇટલીમાં ૬૯ ટકા અને ફ્રાન્સમાં ૫૫ ટકા છૂટાછેડા થાય છે. ફ્રાન્સ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ જેવા દેશોમાં ૫૦ ટકા છૂટાછેડા થાય છે. તો વળી અમેરિકામાં આ દર ૪૧ ટકા છે.
એશિયન દેશોમાં છૂટાછેડાની હાલત હવે તેને સંસ્કાર કહો કે વિચારનું પછાતપણું એશિયન દેશ છૂટાછેડાના કિસ્સામાં પાછળ છે. આ રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયા છૂટાછેડાના કેસમાં એશિયન દેશોમાં સૌથી આગળ છે, જ્યાં ૪૫ ટકા છૂટાછેડાના કેસ સામે આવ્યા છે. તો વળી ચીનમાં પણ ૪૫ ટકા છૂટાછેડાના કેસ છે. જાપાન જેવા દેશમાં ખાલી ૩૫ ટકા છૂટાછેડા છે. ઇન્ડોનેશિયામાં ૨૮ ટકા, ઇરાનમાં ૧૪ ટકા અને વિયેતનામમાં ૭ ટકા છૂટાછેડાના કેસ જોવા મળે છે.
ભારતમાં કેટલા છૂટાછેડા થાય છે? આપને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ભલે ગમે તેટલી પヘમિી દેશોની નકલ થાય, ભારતમાં હજુ પણ છૂટાછેડાના કેસ ૧ ટકાથી પણ ઓછા છે. એ પણ ડિજિટલ મીડિયાના પ્રભાવના કારણે, સમાજમાં આજે પણ લગ્નને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે અને પરિવારનું નૈતિક મૂલ્ય હાલમાં પણ સક્રિય છે. આપણે ત્યાં વ્યાવહારિક રીતે લગ્નને જન્મોજન્મનું બંધન માનવામાં આવે છે.
ભારતમાં ખાલી બે લોકોના લગ્ન પણ બે પરિવારોના સંબંધ માનવામાં આવે છે. સંબંધોને બચાવી રાખવા માટે સામાજિક દબાણ ખૂબ મજબૂત હોય છે. જો કોઈ પતિ-પત્નીમાં અણબનાવ થઈ જાય તો તમામ સંબંધો તેને ઠીક કરવામાં લાગી જાય છે. લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આજે પણ આપણા સમાજમાં છૂટાછેડાને સારું નથી માનવામાં આવતું. આ બધા કારણોથી ભારતમાં છૂટાછેડાના કેસ બહારથી જોતા ભલે વધારે લાગે, પણ વાસ્તવમાં આવું નથી.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
