News of Wednesday, 18th February 2026
બજેટમાં મોટી-મોટી જાહેરાત, કામના નામે મીંડુઃ વશરામભાઇ
હાલની ટર્મના છેલ્લા જનરલ બોર્ડમાં શાસકો ઉપર તુટી પડતું વિપક્ષ

રાજકોટ તા.૧૮: આજે મનપાનું વર્તમાનટર્મનું અંતિમ જનરલ બોર્ડ મળ્યુ હતું. જેમાં બજેટને બહાલી અને પાંચ વર્ષના શાસનના ગુણગાન સતાધારી પક્ષ દ્વારા ગાવામાં આવ્યા હતા. જો કે વિપક્ષ કોંગ્રેસ દ્વારા બજેટમાં સમાવિષ્ટ યોજનાઓની પોલ ખોલવામાં આવી હતી.
આ અંગે વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ આક્ષેપો સાથે જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે અને અમારા સાથી કોર્પોરેટર દ્વારા તારીખ ૩ ના રોજ સ્ટેન્ડિંગ કમિટના ચેરમેન તેમજ કમિશનરને નવા અંદાજપત્ર માં રાજકોટને સ્પર્શતા મુદ્દાઓ અને જુદા જુદા કામોની યાદી આપેલ હતી તેમાંથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અમારો પ્રથમ મુદ્દો હતો કે ટેક્સમાં સંપૂર્ણ વ્યાજમાંફી આપવી તેમાં મહદ અંશે સ્ટેન્ડિંગ કમિટીએ જુદા જુદા બે હેડે પાંચ પાંચ હજાર રૂપિયા માફી આપી છે તે બદલ સ્ટેન્ડિંગ કમિટીનો આભાર માનું છું.
તેવી જ રીતે સિનિયર સિટીઝનોને બસમાં ફ્રી પાસ કાઢવા માટેની યોજના ની પણ અમારી માંગ હતી તેમાંથી બહેનોને રૂા.૧,૦૦૦ માં એક વર્ષ સુધી બસમાં મુસાફરી કરી શકે તેવી યોજના કાઢવા બદલ પણ થોડાઘણા અંશે અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત અમારા દ્વારા ૨૦ યોજનાઓ અને કામોની યાદીમાંથી અમુક યોજનાઓ અને કામો લેવા બદલ સ્ટેન્ડિંગ કમિટી નો આભાર માનું છું. અને તેની સાથે સાથે રાજકોટમાં ૨૦૨૬/૨૭ નું અંદાજપત્ર અંગે ચર્ચા કરતા પ્રથમ નજરે ચૂંટણીલક્ષી અને બિલ્ડરોને ખટાવી દેવાનું હોય તેવું દેખાઈ રહ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી ૧૪ યોજનાઓ બજેટમાં લીધી છે તેમાંથી સાત યોજનાઓ ફક્ત પીપીપી ધોરણે અમલમાં આવે તેવી યોજનાઓ છે તે ઉપરાંત બગીચા વિભાગ હોય રોશની વિભાગ હોય બાંધકામ વિભાગ હોય અર્બન ચેલેન્જ ફંડ વિભાગ હોય એકાઉન્ટ વિભાગ હોય આ વિભાગોમાં પીપીપી ધોરણે યોજનાઓ આપી દીધી છે.
આવાસ યોજનામાં બીઓટી ધોરણે (બીલ્ડ ઓપરેટ ટ્રાન્સફર) આનો ગુજરાતી અર્થ છે બાંધો ચલાવો અને સોપો આ બીઓટી ના ધોરણે આવાસ યોજના બનાવવાની જે નીતિ છે તે પીપીપી યોજના ની મોટી બહેન લાગે છે કારણ કે કોઈપણ કંપની આ આવાસ યોજના બનાવશે પ્રથમ તેને બનાવશે પછી તેનું સંચાલન કરશે અને તેમાં ૨૦ કે ૩૦ વર્ષના મુદત માટે તેનું સંચાલન રાખે પોતાનો નફો અને ખર્ચ તમામ ઉમેરીને પછી તેને હપ્તા રૂપે જેમ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે રીતે ઉઘરાવવામાં આવશે અને મુદત પૂર્ણ થયે રાજકોટ મહાનગરપાલિકાને પરત સોંપવામાં આવશે આનો અર્થ બીઓટી થાય છે.
ચાલુ વર્ષનું બજેટ બન્યું ત્યારે પણ અમે કીધેલું કે મોટા મોટા પ્રોજેક્ટ કરી મોટું અંદાજપત્ર બનાવવામાં આવે છે હકીકતમાં આ યોજનાઓ પાર ઉતરશે નહીં. તેવું મેં ચાલુ વર્ષ ના બજેટ બોર્ડ માં કહ્યું હતું તેના દાખલા હું આપને આપું છું રાજકોટમાં હાલ ૧૦ જેટલી યોજનાઓ ફક્ત ૨૦૨૫/૨૬ ના બજેટમાં જ રહી ગઈ છે.
જેમ કે રામનાથ મહાદેવ બ્યુટીફીકેશન જે છેલ્લા નવ વર્ષથી જાહેરાતો થાય છે ભગવાન રામનાથ ના નામે મત લેવાય છે અને કામ થતા નથી અને ભગવાન રામનાથના મંદિરમાં ચોમાસામાં રાજકોટની ગંદકીનું પાણી ફરી વળે છે અને નવા બજેટમાં આ યોજના કાઢી નાખવામાં આવેલ હોય તેવું દેખાય છે.
તેવી જ રીતે પશુ દવાખાનું બનાવવાની યોજના માલધારીઓને સાચવવા માટે મોટી મોટી જાહેરાતો કરી પરંતુ કામના નામે મીંડું છે તેવી રીતે રાજકોટ શહેર ની હદમાં જે મોટા રોડ આવી રહ્યા છે તે દરેક મોટા રોડ તરફ સ્વાગત ગેટ બનવવા ની યોજના પણ અભેરાએ ચડી ગય હોય તેવું લાગે છે.
અરે?ઓક્સિજન પાર્ક બનાવવાનું તો સાવ જ ભૂલી ગયા છે નવા ત્રણ શાક માર્કેટ પ્રોજેક્ટનું બાળ મરણ થઈ ગયું હોય તેવું દેખાય છે મેમોગ્રાફી વેક્સિન ફ્રી યોજના પણ અધર તાલે ચડી હોય એવું લાગે છે રાજકોટની સુંદરતા વધારવા માટે એક રોડને વિરાસત માર્ગ તરીકે વિકસાવવાનો હતો તે પણ ભુલાઈ ગયું છે.
સામાકાંઠેના પેડક રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવાનો પ્રોજેક્ટ પણ ભૂલી ગયા છે અને હવે ગૌરવ પથ કે કે વી હોલથી મોટા મહુંવાના સ્મશાન સુધી બનાવવાનું નવા અંદાજપત્રમાં સામેલ કર્યું છે તેવી જ રીતે સ્કાય વોક ફૂટ ઓવર બ્રિજ લોકોને સુવિધા માટે બનાવવાના હતા પરંતુ હવે સુવિધાની લોકોને જરૂર હોય તેવું લાગતું નથી અને છેલ્લે ચુનારાવાડના પુલ થી કેસરી હિન્દ પુલ સુધીના નદીના કાઠા વિસ્તારને રીવર ફ્રન્ટ બનાવવા માટેની યોજના પણ સમેટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અંદાજપત્રમાં કયાંય પણ તેનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
અંતમાં તેમણે જણાવેલ કે, વોર્ડ નંબર ૧૫ માં આવેલ ૯૯ નંબરની સ્કૂલ કે જે ૧૭વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે અને ચાર રૂમમાં ચાલે છે ત્યાં નવી સ્કૂલ બનાવવા માટેની કોંગ્રેસ કોર્પોરેટર કોમલબેન ભારાઈની માંગણીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
