<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

સંકલિત શાળાઓ બનાવાશે : ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો લાઇબ્રેરી

દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને પરિવહન ખર્ચ અપાશેઃ નમો ગુજરાત રોજગાર મિશનઃ અમદાવાદમાં ઉદ્યોગ રીસર્ચ પાર્ક

ગાંધીનગર : નાણામંત્રી કનુભાઇએ વિધાનસભામાં જણાવ્‍યું છે કે, એક કેમ્‍પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્‍યના ધ્‍યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી વિદ્યાર્થીઓના અભ્‍યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્‍થિરતા જળવાઇ રહેશે. તેના માટે રૂા.  ૧૨૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્‍યાધુનિક નમો સેન્‍ટ્રલ લાઇબ્રેરી સ્‍થાપવામાં આવશે. જેમાં અભ્‍યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્‍વરૂપે ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં રૂા.  ૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્‍તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે ૧૫ તાલુકાઓમાં લાઇબ્રેરી સ્‍થાપવાની જાહેરાત કરું છું. 

નમો સરસ્‍વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધેલ છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં ૧૯ ટકા જેટલો વધારો થયેલ છે. જેના માટે રૂા.  ૨૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

દિવ્‍યાંગજનને શાળામાં અભ્‍યાસ કરવામાં મુશ્‍કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્‍યવસ્‍થાના ભાગરૂપે ટ્રાન્‍સપોર્ટ/એસ્‍કોર્ટ એલાઉન્‍સ આપવા તેમજ અન્‍ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. 

અમારી સરકારે કૌશલ્‍ય વિકાસને પ્રાધાન્‍ય આપી યુવાનોને આત્‍મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્‍ય અને રોજગાર મિશનને વેગ આપવા રૂા.  ૨૨૬ કરોડની જોગવાઇ સૂચવું છું.

યુવાનોને રોજગારી માટે કૌશલ્‍યપૂર્ણ તાલીમ આપવાના હેતુથી મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટીસશીપ યોજના હેઠળ ૧ લાખથી વધુ એપ્રેન્‍ટીસ તાલીમ મેળવે છે. આ યોજના સેવાક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્‍ટીસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક રૂા. ૩૦૦૦ સુધીની સહાય આપવા રૂા. ૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્‍યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્‍સાહન આપવા આઇ.આઇ.ટી.ના મોડલ પર એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્‍થાપના કરવા રૂા.  ૫૧ કરોડની જોગવાઇ સૂચવું છું.

(3:53 PM IST)