News of Wednesday, 18th February 2026
દારૂ અને ડ્રગ્સ પકડવા ગુજરાત પોલીસ જાગૃતઃ હર્ષ સંઘવી
ભૂતકાળમાં કોંગી મંત્રીઓ દારૂમાં સપડાયેલાઃ ડે. સી.એમ.ના વિધાનથી ગૃહમાં હોબાળો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮: કોંગ્રેસના અમિત ચાવડા એ અમદાવાદ અને સૂરતમાં દારૂ અને ડ્રગ્સ મોટા પાયે પકડાવવા અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દારૂબંધી અને ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ સતત જાગૃત છે.
સુરત એરપોર્ટ ઉપરથી ડ્રગ્સ પકડવામાં આવ્યું જે તામિલનાડુ જવાનું હતું. ગઇકાલે પાકિસ્તાનથી ર૦૦ કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું આ ડ્રગ્સ બીજા રાજયમાં જતું હતું પરંતુ ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવ્યું હતું.
ડ્રગ્સની ફેકટરીઓ ગુજરાતમાં, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પકડવામાં આવેલ છે. ગુજરાતે કરેલી કામગીરી બીરદાવવી પડી છે. ભુતકાળમાં કોંગ્રેસના મંત્રીઓ દારૂમાં સપડાયેલા હતા. આમ કહેતા વિપક્ષના સભ્યો દ્વારા હો-હા કરવામાં આવી હતી.
આ પ્રશ્નમાં વિપક્ષના શૈલેષ પરમાર દ્વારા ગુજરાતના યુવાનોની ચિંતા કરવાની વાત દોહરાવી હતી. છેલ્લા બે વર્ષમાં ૬૦૦ કરોડથી વધારેનો ડ્રગ્સ પકડવામાં આવ્યો. કુલ ૩૧૬ ગુનેગારો પકડવામાં આવેલ નથી અને ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવામાં આવતા નથી તે વાત ગૃહ સમક્ષ રજુ કરી હતી.
આના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતુ પોલીસમાં જે વિસ્તારમાંથી પકડાય છે તેવા અધિકારીઓ સામે પગલા લેવામાં આવે છે.
૧૩૦ જેટલા પોલીસ અધિકારીઓ સામે પીએસઆઇ-પીઆઇ કક્ષાના અધિકારીઓ સામે પગલા લેવામાં આવ્યા છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે સુરત શહેરમાં આવતા એક સપ્તાહ પછી ૧ ટીપુ દારૂ નહિ મળે તેવી ખાત્રી આપવા માંગે તો હું અભિનંદન આપીશ.
શૈલેષ પરમારે ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે અમદાવાદ શહેરમાં સૌથી વધારે દારૂ પકડવામાં આવ્યાં છે સરકારે પગલા લીધા મંત્રીશ્રીએ જણાવ્યું કે જવાબદાર સામે પગલા લેવામાં આવ્યા છે હજુ તપાસ ચાલુ છે. આમા કસુરવાર હશે તેની સામે પગલા લેવામાં આવશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
