News of Wednesday, 18th February 2026
બોલિવૂડના દિગ્ગજ લેખક સલીમ ખાન ICUમાં: મગજમાં હેમરેજ બાદ સર્જરી સફળ, સલમાન ખાન સહિત આખું ખાનદાન હોસ્પિટલે ઉમટ્યું!
લીલાવતી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે સલીમ ખાન: મલાઈકા અરોરા અને જાવેદ અખ્તર પણ હાલત પૂછવા પહોંચ્યા - જાણો ડોક્ટરોએ હેલ્થ બુલેટિનમાં શું કહ્યું.

મુંબઈ | તા.૧૮: હિન્દી સિનેમાના સુપ્રસિદ્ધ પટકથા લેખક અને સુપરસ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૮૦ વર્ષીય સલીમ ખાનને મગજમાં લોહી ગંઠાઈ જવાના (બ્રેઈન હેમરેજ) કારણે મંગળવારે સવારે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી છે. હાલમાં તેઓ ICUમાં ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ છે.
ડોક્ટરોની મોટી અપડેટ: સ્થિતિ ગંભીર પણ સ્થિર
લીલાવતી હોસ્પિટલના જાણીતા ડૉ. જલીલ પારકરે જણાવ્યું કે, "જ્યારે સલીમ ખાનને લાવવામાં આવ્યા ત્યારે તેમનું બ્લડ પ્રેશર ઘણું વધારે હતું અને તેમને હુમલા (seizures) આવી રહ્યા હતા. સાવચેતીના ભાગરૂપે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સર્જરી સફળ રહી છે અને જો તેમની તબિયતમાં સુધારો ચાલુ રહેશે, તો આવતીકાલ સુધીમાં વેન્ટિલેટર હટાવી લેવામાં આવશે." ન્યુરોસર્જન અને કાર્ડિયોલોજિસ્ટની વિશેષ ટીમ તેમની સારવાર કરી રહી છે.
પરિવાર અને મિત્રોનો જમાવડો
સલીમ ખાનના માંદગીના સમાચાર મળતા જ આખું બોલિવૂડ ચિંતિત છે:
• પરિવાર: સલમાન ખાન, અરબાઝ, સોહેલ, હેલન અને સલમા ખાન સતત હોસ્પિટલમાં હાજર છે.
• મલાઈકાની મુલાકાત: અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા પણ સલીમ ખાનના હાલ જાણવા હોસ્પિટલ પહોંચી હતી.
• જાવેદ અખ્તર: વર્ષો સુધી જેની સાથે જોડી જામી હતી તેવા મિત્ર જાવેદ અખ્તર પણ બે દિવસથી હોસ્પિટલના આંટા ફેરી રહ્યા છે.
• શૂરા ખાન અને સલમા: પરિવારની વહુ શૂરા ખાન અને પત્ની સલમા ખાન પણ ભાવુક હાલતમાં હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા.
પ્રાર્થનાઓનો દોર શરૂ
ક્રિકેટર યુસુફ પઠાણથી લઈને સોમી અલી સુધીના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર સલીમ ખાનના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. ફેન્સ પણ 'ટાઈગર'ના પિતા વહેલા સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તેવી આશા રાખી રહ્યા છે. જોકે, ખાન પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ ડોક્ટરોની વાતોથી રાહતના સંકેત મળી રહ્યા છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
