News of Wednesday, 18th February 2026
મશીનોએ મનુષ્યોને પાછળ છોડ્યા: AI હવે પોતાની 'નવી પેઢી' જાતે જ બનાવી રહ્યું છે! વ્હાઇટ કોલર નોકરીઓ પર મંડરાતું અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ.
૫ ફેબ્રુઆરી ૨૦૨૬: એ ઐતિહાસિક દિવસ જ્યારે AI એ 'નિર્ણય લેવાની' શક્તિ મેળવી - GPT-5.3 અને Cloud Opus 4.6 એ દુનિયાના સમીકરણો બદલી નાખ્યા, આગામી ૫ વર્ષમાં ૫૦% નોકરીઓ જોખમમાં!

સિલિકોન વેલી | તા.૧૮: શું તમારી ઓફિસમાં બેસીને કામ કરવાની ક્ષમતા હવે મશીન સામે ટકી શકશે? આ સવાલ હવે કલ્પના નથી પણ ૨૦૨૬ની કડવી વાસ્તવિકતા છે. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ AIની દુનિયામાં એક એવો વળાંક આવ્યો જેણે વિજ્ઞાન સાહિત્યની ફિલ્મોને હકીકતમાં બદલી નાખી છે. હવે AI માત્ર સવાલોના જવાબ નથી આપતું, પરંતુ તે પોતાની જાતને 'અપડેટ' પણ કરી રહ્યું છે અને પોતે જ પોતાની આગામી પેઢીનું નિર્માણ કરી રહ્યું છે.
બુદ્ધિનો વિસ્ફોટ: જ્યારે AI પોતે જ 'કોડર' બન્યું
OpenAI ના નવા મોડેલ GPT-5.3 કોડેક્સ વિશેના દસ્તાવેજોમાં એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. આ પહેલું એવું મોડેલ છે જેને બનાવવામાં માણસો કરતાં વધુ ફાળો અગાઉના AI મોડેલનો હતો. ટેક નિષ્ણાત મેટ શુમર આને "બુદ્ધિ વિસ્ફોટ" (Intelligence Explosion) ગણાવે છે. એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈએ પણ ચેતવણી આપી છે કે આપણે એવા સમયથી માત્ર ૧-૨ વર્ષ જ દૂર છીએ જ્યારે AI સંપૂર્ણપણે સ્વાયત્ત રીતે પોતાની નવી પેઢી બનાવશે.
વ્હાઇટ કોલર જોબ્સ પર 'અદ્રશ્ય' હુમલો
અત્યાર સુધી આપણને લાગતું હતું કે રોબોટ્સ માત્ર ફેક્ટરીઓમાં મજૂરોનું સ્થાન લેશે, પરંતુ AI એ સૌપ્રથમ એવા લોકો પર હુમલો કર્યો છે જેઓ 'સ્ક્રીન' સામે બેસીને મગજનો ઉપયોગ કરે છે:
• વકીલો: જે સંશોધન જુનિયર વકીલો અઠવાડિયામાં કરતા હતા, તે AI હવે મિનિટોમાં અને સચોટ રીતે કરે છે.
• નાણાકીય વિશ્લેષકો: જટિલ સ્પ્રેડશીટ્સ અને ફાયનાન્શિયલ મોડેલિંગ હવે AI માટે રમત વાત છે.
• સોફ્ટવેર એન્જિનિયર: હવે ડેવલપર માત્ર વિચાર આપે છે, AI પોતે કોડ લખે છે, ટેસ્ટ કરે છે અને ભૂલો સુધારીને 'પરફેક્ટ' પ્રોડક્ટ આપે છે. તે હવે ઇન્ટર્ન નહીં, પણ 'સીનિયર એમ્પ્લોઈ' બની ગયું છે.
૨૦૨૪ની માનસિકતા અને ૨૦૨૬ની વાસ્તવિકતા
મેટ શુમરના મતે, ઘણા લોકો હજુ પણ આ જોખમને ગંભીરતાથી નથી લઈ રહ્યા કારણ કે તેઓ AI ના 'ફ્રી વર્ઝન' વાપરે છે. આ પરિસ્થિતિ 'ફ્લિપ ફોન' અને 'સ્માર્ટફોન' વચ્ચેના તફાવત જેવી છે. ૨૦૨૬નું પેઇડ AI મોડેલ એટલું શક્તિશાળી છે કે તે થાકતું નથી, ભૂલો કરતું નથી અને કોઈપણ માનવ સહયોગી કરતાં વધુ ઝડપથી કામ પૂરું કરે છે.
શું બધું પૂરું થઈ ગયું છે?
નિષ્ણાતો માને છે કે બધું પૂરું નથી થયું, પરંતુ "સમય આવશે ત્યારે જોઈ લેવાશે" વાળી નીતિ હવે કામ નહીં આવે. જે વ્યાવસાયિકો પોતાની કાર્યશૈલીમાં AI ને નહીં વણી લે, તેઓ આવનારા ૫ વર્ષમાં બેરોજગારીના ખતરાનો સામનો કરશે. ડારિયો અમોડેઈની આગાહી મુજબ, આગામી ૧ થી ૫ વર્ષમાં ૫૦% એન્ટ્રી-લેવલ વ્હાઇટ-કોલર નોકરીઓ અદ્રશ્ય થઈ શકે છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
