<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

બલૂચિસ્તાન બન્યું 'ડેથ કોરિડોર': CPEC ના નામે લાશોનો ખેલ : જનરલ અસીમ મુનીર પર નરસંહારના ગંભીર આક્ષેપ!

ચીનની મહત્વાકાંક્ષા પૂરી કરવા પાકિસ્તાની સેનાએ બલૂચ યુવાનોને નિશાન બનાવ્યા : 'ડેથ સ્ક્વોડ' દ્વારા અપહરણ અને હત્યાનો સિલસિલો તેજ, પંજગુર અને શાપતનમાં હાઈવે કિનારેથી મળી રહ્યા છે સડી ગયેલા મૃતદેહો

ક્વેટા :  પાકિસ્તાન અને ચીન જે પ્રોજેક્ટને 'ગેમ ચેન્જર' ગણાવી રહ્યા છે, તે CPEC (ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર) હવે બલૂચિસ્તાનના નિર્દોષ યુવાનો માટે કબ્રસ્તાનમાં ફેરવાઈ રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ના તાજેતરના અહેવાલો મુજબ, પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફના રક્ષણ હેઠળ ચાલતી 'ડેથ સ્ક્વોડ' દ્વારા બલૂચિસ્તાનમાં ભયાનક નરસંહાર આચરવામાં આવી રહ્યો છે. વિકાસના નામે બનેલા ચમકતા રસ્તાઓ નીચેથી હવે માનવતાને શરમાવે તેવા સડી ગયેલા મૃતદેહો મળી રહ્યા છે. સ્થાનીય લોકોનો આક્ષેપ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના અબજો ડોલરના રોકાણને સુરક્ષિત કરવા માટે પાકિસ્તાની સૈન્ય બલૂચ પ્રજાનો અવાજ બંદૂકની અણીએ દબાવી રહ્યું છે.

પરિસ્થિતિની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ૨૩ વર્ષીય માસૂમ કારીગર ફરાઝની ગોળી મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. બલૂચ યાકજેહાતી સમિતિ (BYC) ના જણાવ્યા મુજબ, ફરાઝ કોઈ ગુનેગાર નહોતો, પરંતુ ભરતકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એકમાત્ર કમાનાર યુવાન હતો. આ વર્ષે કરીમ જાન, જાસીમ જાન અને પઝીર બલોચ જેવા અનેક આશાસ્પદ યુવાનોનું પહેલા રહસ્યમય રીતે અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના ગોળીઓથી વીંધાયેલા મૃતદેહો નિર્જન રસ્તાઓ પર ફેંકી દેવામાં આવ્યા. BYC એ આને "રાજ્ય પ્રાયોજિત નરસંહાર" ગણાવ્યો છે, જેમાં સુરક્ષા એજન્સીઓ સીધી રીતે સંડોવાયેલી છે.

બલૂચિસ્તાનમાં અત્યારે ડરનું એવું સામ્રાજ્ય છે કે યુવાનો ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરવામાં આવી છે. BYC એ ચેતવણી આપી છે કે જો વિશ્વ આ લોહિયાળ 'ડેથ સ્ક્વોડ' ને રોકવામાં નિષ્ફળ રહેશે, તો બલૂચ જનતાએ પોતાના અસ્તિત્વ માટે પોતે જ હથિયાર ઉપાડવા મજબૂર થવું પડશે. પંજગુરથી લઈને શાપતન સુધીનો CPEC રૂટ આજે પ્રગતિના હાઈવે તરીકે નહીં, પણ માનવતાના કતલખાના તરીકે ઓળખાઈ રહ્યો છે, જ્યાં ચીનની આર્થિક મહત્વાકાંક્ષા માટે નિર્દોષોનું લોહી વહાવવામાં આવી રહ્યું છે.

(6:16 PM IST)