<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

યુપીના રાજકીય રણમેદાનમાં ઓવૈસી એકલા અટૂલા: ગઠબંધન માટે 'બેકરાર' પણ કોઈ પક્ષ નથી તૈયાર, શું હૈદરાબાદી બિરયાની અવધના પુલાવ સામે ફરી ફિક્કી પડશે?

માયાવતીના 'એકલા ચલો રે' ના નિર્ણયે એઆઈએમઆઈએમની મુશ્કેલી વધારી: ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા ઓવૈસી માટે ગઠબંધનના તમામ રસ્તા બંધ? જાણો યુપીમાં મુસ્લિમ રાજનીતિના બદલાતા સમીકરણો.

લખનૌ:ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ સોગઠાબાજી શરૂ કરી છે.આ વખતે સૌથી વધુ ચર્ચા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ની થઈ રહી છે. ઓવૈસી પોતાની પાર્ટીને હૈદરાબાદના ચાર મિનારના દાયરામાંથી બહાર કાઢીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે ઉત્તર પ્રદેશને 'તુરુપનો એક્કો' માને છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે.
તાજા અહેવાલો મુજબ, ઓવૈસી યુપીમાં કોઈ મજબૂત સાથીની શોધમાં છે, પરંતુ કોઈ પણ મોટો રાજકીય પક્ષ તેમની સાથે હાથ મિલાવવા તૈયાર નથી. ખાસ કરીને બસપા પ્રમુખ માયાવતીએ જ્યારે આગામી ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી, ત્યારે ઓવૈસી માટે ગઠબંધનનો સૌથી મોટો આશરો પણ છીનવાઈ ગયો છે. સપા અને કોંગ્રેસ પહેલેથી જ ઓવૈસીથી અંતર જાળવી રહ્યા છે, કારણ કે તેમના પર વારંવાર 'વોટ કટુઆ' હોવાનો આરોપ લાગે છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે હૈદરાબાદી બિરયાનીનો તીખો મસાલો અવધના લોકોને બહુ માફક આવતો નથી. ઓવૈસીની મુસ્લિમ રાજનીતિના એજન્ડા સામે યુપીનો મુસ્લિમ મતદાર હંમેશા દ્વિધામાં રહ્યો છે. ભૂતકાળમાં પણ ઓવૈસીએ યુપીમાં નસીબ અજમાવ્યું હતું, પરંતુ સ્થાનિક પક્ષોના મજબૂત ગઠબંધન સામે તેમનો જાદુ ચાલ્યો નહોતો.
હવે ઓવૈસી પાસે શું વિકલ્પ છે?
૧. નાના પક્ષો સાથે જોડાણ: ઓવૈસી હવે પશ્ચિમ યુપી અને પૂર્વાંચલના નાના સ્થાનિક પક્ષો સાથે મળીને નાનું ગઠબંધન બનાવી શકે છે.
૨. સ્વતંત્ર લડાઈ: જો કોઈ રસ્તો ન નીકળે, તો ૨૦૨૨ની જેમ ફરીથી વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખીને પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરશે.
૩. ચૂંટણી પછીની વ્યૂહરચના: કદાચ તેઓ કોઈ પક્ષને સમર્થન આપીને સત્તામાં ભાગીદારી શોધે.
ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની જંગ રસપ્રદ બનવાની છે. એકબાજુ ભાજપ પોતાની સત્તા ટકાવવા મથશે, તો બીજી બાજુ સપા-કોંગ્રેસ ગઠબંધન ઓવૈસી જેવા પક્ષોને પોતાના મતમાં ગાબડું પાડતા રોકવા માટે એડીચોટીનું જોર લગાવશે

(7:12 PM IST)