<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ગલગોટિયા યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતી: ચાઈનીઝ રોબોટ ડોગને પોતાનો કહી રજૂ કરતા AI સમિટમાંથી હાંકી કઢાઈ, દેશનું નામ ડૂબાડ્યાનો આક્ષેપ!

ભારત મંડપમમાં રજૂ કરેલો 'રોબો ડોગ' મેડ ઇન ઇન્ડિયા નહીં પણ ચીની નીકળ્યો: પ્રોફેસર નેહાના બચાવ સામે સોશિયલ મીડિયામાં રોષનો જ્વાળામુખી - યુનિવર્સિટીને બેન કરવાની ઉઠી માંગ.

નવી દિલ્હી:રાજધાનીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026' માં આજે ભારે હોબાળો મચ્યો હતો. ગલગોટિયા યુનિવર્સિટી દ્વારા પ્રદર્શનમાં મુકવામાં આવેલો એક 'રોબોટ ડોગ' વિવાદનું કેન્દ્ર બન્યો છે. આ રોબોટને યુનિવર્સિટીના સંશોધન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન તે મૂળ ચાઈનીઝ હોવાનું બહાર આવતા આયોજકોએ તાત્કાલિક અસરથી ગલગોટિયા યુનિવર્સિટીને સમિટમાંથી બહાર કરી દીધી છે.
 પ્રોફેસરના દાવા સામે સવાલો: વિવાદ વધતા યુનિવર્સિટીના પ્રોફેસર નેહાએ રોબોટનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના નિવેદનોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. યુઝર્સનો આરોપ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનમાં ચીની ટેકનોલોજીને 'કોપી-પેસ્ટ' કરીને ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
 ઘણા લોકોએ આને 'દેશદ્રોહ' સમાન ગણાવીને યુનિવર્સિટીને તાળા મારવાની માંગ કરી છે.
રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ પણ આ મુદ્દે સરકાર અને ખાનગી શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે.
યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ આ ઘટનાથી દુખી છે અને માને છે કે થોડાક લોકોની ભૂલને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભા થયા છે.
આ ઘટના બાદ ખાનગી યુનિવર્સિટીઓના સંશોધનોની વિશ્વસનીયતા પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર ઉંચી ફી લઈને ડિગ્રી વહેંચતી સંસ્થાઓ દેશને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ લઈ જવાને બદલે આંતરરાષ્ટ્રીય મંચ પર હાસ્યાસ્પદ બનાવી રહી છે. આ મામલે હવે સરકારી એજન્સીઓ તપાસ કરે તેવી શક્યતા છે

(7:16 PM IST)