News of Wednesday, 18th February 2026
ઇન્ફ્રા સેક્ટરમાં ખળભળાટ: NHAI એ NCC લિમિટેડને કરી 'બ્લેકલિસ્ટ', આગામી 2 વર્ષ સુધી કંપની કોઈ પણ નવા સરકારી ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં!
બજાર બંધ થયા પછી પડ્યો મોટો ફટકો: ઉત્તર પ્રદેશના હાઈવે પ્રોજેક્ટમાં વિવાદને પગલે લેવાયા કડક પગલાં - શું કંપનીના શેર પર પડશે ગાબડું? જાણો સમગ્ર મામલો.

મુંબઈ:શેરબજારમાં કારોબાર પૂરો થયો કે તરત જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જાણીતી કંપની NCC લિમિટેડ માટે અત્યંત ખરાબ સમાચાર આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ કંપની અને તેની પેટાકંપની OB ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (OBIL) પર મોટી કાર્યવાહી કરતા તેમને આગામી બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધા છે. આ પ્રતિબંધને કારણે કંપની હવે NHAI ના કોઈપણ નવા પ્રોજેક્ટ, ટેન્ડર કે બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં.
આ સમગ્ર વિવાદ ઉત્તર પ્રદેશના હાઈવે પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. NH-25 અને NH-2 ના ઓરાઈ-ભોગણીપુર સેક્શનના કામમાં થયેલા વિલંબ અને કરારના ઉલ્લંઘનને કારણે NHAI એ આ આકરો નિર્ણય લીધો છે. જોકે, કંપનીનું કહેવું છે કે પ્રોજેક્ટમાં વિલંબ જમીન ટ્રાન્સફરમાં મોડું થવાને કારણે થયો હતો અને આ માટે NHAI પોતે જવાબદાર છે.
કંપની હવે કયા કામો નહીં કરી શકે?: આ પ્રતિબંધ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ થી અમલી બની ચૂક્યો છે. હવે NCC લિમિટેડ નીચે મુજબના રોલ્સમાં ભાગ લઈ શકશે નહીં:
• કોઈ પણ નવા હાઈવે ટેન્ડરના કોન્ટ્રાક્ટર તરીકે.
• EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) પાર્ટનર તરીકે.
• મેન્ટેનન્સ એજન્સી (O&M) તરીકે.
કંપનીએ આ આદેશ સામે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તેમને પોતાની વાત રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી નથી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. કંપની આ આદેશને કાયદેસર રીતે પડકારવાની તૈયારી કરી રહી છે. કંપનીએ રોકાણકારોને આશ્વાસન આપ્યું છે કે આનાથી હાલના ચાલુ પ્રોજેક્ટ્સ પર કોઈ અસર નહીં પડે, પરંતુ નવા ઓર્ડર મેળવવામાં ચોક્કસપણે મુશ્કેલી પડી શકે છે.
બજાર બંધ થયા પછી આવેલા આ સમાચારની અસર આવતીકાલે શેરબજાર ખુલતાની સાથે જ NCC ના શેર પર જોવા મળી શકે છે. નિષ્ણાતો માને છે કે જો કંપની આ પ્રતિબંધ પર સ્ટે (Stay) મેળવવામાં નિષ્ફળ રહેશે, તો તેની ભવિષ્યની આવક પર અસર પડી શકે છે
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
