<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

આતંકનો નવો ચહેરો: ૯/૧૧ કરતા ૫૦ ગણું વધુ ખતરનાક બન્યું અલ-કાયદા! ૨૫,૦૦૦ લડવૈયાઓ સાથે વિશ્વ પર મોટા હુમલાનું કાવતરું

UN નો ચોંકાવનારો ખુલાસો: અફઘાનિસ્તાન હવે આતંકવાદીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન: ૧૧ વર્ષના બાળકોની ભરતી અને હથિયારબંધ ડ્રોન ટેકનોલોજીથી સજ્જ થઈ રહ્યું છે સંગઠન : ભારત સહિત દક્ષિણ એશિયા પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો

લંડન:  વિશ્વભરમાં આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનો વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ એક એવો અહેવાલ આપ્યો છે જેણે સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે. યુએન મોનિટરિંગ ટીમના તાજેતરના ડેટા મુજબ, અલ-કાયદા અત્યારે તેના સૌથી શક્તિશાળી તબક્કામાં છે. ૨૦૦૧ના ૯/૧૧ હુમલા સમયે આ સંગઠન પાસે માત્ર ૫૦૦ કટ્ટરપંથી લડવૈયાઓ હતા, પરંતુ આજે આ સંખ્યા વધીને ૨૫,૦૦૦ ને પાર કરી ગઈ છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI6 અને યુએનએસસી (UNSC) ના અહેવાલ મુજબ, આ આતંકવાદી સંગઠન હવે માત્ર એક કેન્દ્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ આફ્રિકાથી લઈને પશ્ચિમ એશિયા સુધી ફેલાયેલું એક જટિલ નેટવર્ક બની ગયું છે, જે ગમે ત્યારે પશ્ચિમી દેશો અને એશિયાઈ દેશો પર મોટા હુમલા કરી શકે છે.

સૌથી વધુ ચિંતાજનક બાબત અલ-કાયદાની બદલાયેલી રણનીતિ છે. હવે આ સંગઠન માત્ર વિચારધારાના આધારે નહીં, પરંતુ ગરીબી અને આર્થિક પ્રલોભનો આપીને યુવાનોને ફસાવી રહ્યું છે. ૧૧ વર્ષના નિર્દોષ બાળકોને આત્મઘાતી હુમલાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આધુનિક યુગના આ આતંકવાદીઓ હવે હથિયારબંધ ડ્રોન અને વિસ્ફોટકો બનાવવા માટે ઇન્ટરનેટ પર વીડિયો ટ્યુટોરિયલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન હેઠળ અલ-કાયદાને માત્ર સુરક્ષા જ નથી મળી રહી, પરંતુ ત્યાં તે અન્ય આતંકવાદી સંગઠનો જેવા કે ટીટીપી (TTP) માટે 'સર્વિસ પ્રોવાઈડર' તરીકે કામ કરી રહ્યું છે, જે દક્ષિણ એશિયામાં અસ્થિરતા પેદા કરી શકે છે.

ભારતીય ઉપખંડ માટે પણ આ ખતરાની ઘંટડી વાગી રહી છે. અહેવાલ મુજબ, 'અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ' (AQIS) ના વડા ઓસામા મહમૂદ અને તેનો ડેપ્યુટી યાહ્યા ગૌરી અત્યારે કાબુલમાં બેસીને ભારત અને આસપાસના વિસ્તારોમાં મોટા ઓપરેશન્સનું આયોજન કરી રહ્યા છે. હક્કાની નેટવર્કના સમર્થનથી આ જૂથ દક્ષિણ-પૂર્વી અફઘાનિસ્તાનમાં અત્યંત સક્રિય છે. યુએન ટીમના કોઓર્ડિનેટર કોલિન સ્મિથે ચેતવણી આપી છે કે જો આ વધતા જતા ખતરાને અત્યારે અવગણવામાં આવશે, તો ભવિષ્યમાં ૯/૧૧ થી પણ વધુ ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય સમુદાય આ 'ભસ્માસુર' ને રોકવા માટે કેવા કડક ડગલાં ભરે છે.

(11:18 PM IST)