<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ભારત અને બ્રાઝિલ વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રે રચાશે નવો ઇતિહાસ: કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને બ્રાઝિલના મંત્રી એલેક્ઝાન્ડ્રે પાદિલ્હા વચ્ચે દિલ્હીમાં યોજાઈ ખાસ બેઠક!

AI ઇમ્પેક્ટ સમિટમાં બે દિગ્ગજ નેતાઓનો સંગમ: દરેક નાગરિકને સસ્તી અને આધુનિક સારવાર પૂરી પાડવા ભારત-બ્રાઝિલ મિલાવશે હાથ - આગામી BRICS બેઠક માટે પણ અપાયું આમંત્રણ.

નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હી અત્યારે 'AI ઇમ્પેક્ટ સમિટ'ને કારણે વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બની છે. આ સમિટના ભાગરૂપે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રી એલેક્ઝાન્ડ્રે પાદિલ્હા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાતમાં બંને દેશોએ સ્વાસ્થ્ય સેવાઓના લોકશાહીકરણ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.
સસ્તી સારવાર અને આધુનિક ટેકનોલોજી પર મંથન
બેઠક દરમિયાન જે.પી. નડ્ડાએ ભારતના મજબૂત ફાર્મા ઉદ્યોગ અને ડિજિટલ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરી હતી. બંને મંત્રીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે ભારત અને બ્રાઝિલ મળીને સામાન્ય માણસ માટે આરોગ્ય સંભાળને વધુ સુલભ અને પરવડે તેવી (Affordable) બનાવી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉપયોગ કરીને બીમારીઓનું વહેલું નિદાન અને સચોટ સારવાર કેવી રીતે થઈ શકે તે આ ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો હતો.
BRICS માટે ભારત સજ્જ
શ્રી નડ્ડાએ બ્રાઝિલ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, ભારત બ્રાઝિલ સાથે ફાર્માસ્યુટિકલ સંશોધન અને વિકાસમાં ખભેખભો મિલાવીને ચાલવા આતુર છે. આ સાથે જ તેમણે આગામી બ્રિક્સ (BRICS) આરોગ્ય મંત્રીઓની બેઠક માટે એલેક્ઝાન્ડ્રે પાદિલ્હાને સત્તાવાર રીતે ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે ભારત અને બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોનું એકજૂથ થવું એ સમયની માંગ છે.

(11:39 PM IST)