<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

પીડિતા સાથે પૂર્ણ પેનિટ્રેશન થયું ન હોય તો બળાત્‍કાર ન ગણાય

છત્તીસગઢ હાઈકોર્ટે બળાત્‍કારના મામલામાં એક મહત્‍વનો ચુકાદો આપ્‍યો : માત્ર જનનાંગો ઘસવાની ઘટના બની હોય, તો તેને બળાત્‍કાર નહીં પરંતુ બળાત્‍કારનો પ્રયાસ માનવામાં આવશેઃ મેડિકલ પુરાવાઓમાં હાઈમેન (યોનિપટલ) સુરક્ષિત મળી આવવાના આધારે કોર્ટે દોષિતની સજા સાત વર્ષથી ઘટાડીને સાડા ત્રણ વર્ષ કરી દીધી

નવી દિલ્‍હી,તા.૧૯: છત્તીસગઢ હાઈકોર્ટે એક ચુકાદામાં સ્‍પષ્ટ કર્યું છે કે જો પીડિતા સાથે પૂર્ણ ‘પેનિટ્રેશન' ન થયું હોય અને માત્ર જનનાંગો ઘસવાની ઘટના બની હોય, તો તેને બળાત્‍કાર નહીં પરંતુ બળાત્‍કારનો પ્રયાસ માનવામાં આવશે. મેડિકલ પુરાવાઓમાં હાઈમેન (યોનિપટલ) સુરક્ષિત મળી આવવાના આધારે કોર્ટે દોષિતની સજા સાત વર્ષથી ઘટાડીને સાડા ત્રણ વર્ષ કરી દીધી છે.

જસ્‍ટિસ નરેન્‍દ્ર કુમાર વ્‍યાસની સિગલ બેન્‍ચે જણાવ્‍યું હતું કે આરોપીનો ઈરાદો ગુનાહિત અને સ્‍પષ્ટ હતો, પરંતુ પેનેટ્રેશનના નક્કર પુરાવા ન હોવાથી આ ગુનો કલમ ૩૭૬ને બદલે કલમ ૩૭૬/૫૧૧ હેઠળ આવશે. આ મામલો વર્ષ ૨૦૦૪નો છે. ફરિયાદ પક્ષના જણાવ્‍યા અનુસાર, આરોપી પીડિતાને તેના ઘરેથી બળજબરીથી ખેંચીને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્‍યાં કપડાં ઉતારીને તેની ઈચ્‍છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. એટલું જ નહીં, પીડિતાને રૂમમાં પૂરી દઈ તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્‍યા હતા અને મોઢામાં કપડાનો ડૂમો દઈ દેવાયો હતો.

બાદમાં તેની માતાએ તેને છોડાવી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને આઈપીસીની કલમ ૩૭૬(૧) અને ૩૪૨ હેઠળ દોષિત ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે પીડિતાનું નિવેદન અને મેડિકલ રિપોર્ટનું ઝીણવટભર્યું પરીક્ષણ કર્યું હતું.

કોર્ટે કહ્યું કે આ તથ્‍યો ગુનાનો પ્રયાસ દર્શાવે છે, પરંતુ પૂર્ણ બળાત્‍કાર સાબિત કરતા નથી. કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો હવાલો આપતા કહ્યું કે આરોપીનું કૃત્‍ય ગુનાના પ્રયાસની શ્રેણીમાં આવે છે. કોર્ટે પુનરોચ્‍ચાર કર્યો હતો કે બળાત્‍કાર માટે ‘પેનેટ્રેશન' અનિવાર્ય તત્‍વ છે, તેના વિના કલમ ૩૭૬ લાગુ થઈ શકે નહીં

(10:13 AM IST)