તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 19th February 2026
અમેરિકાથી ૪૧ લાખ કરોડનો માલસામાન ભારત આવશે
ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલઃ મહાસોદાની બ્લુપ્રિન્ટ પર માર્ચમાં મહોર લાગવાની સંભાવના

નવી દિલ્હી,તા.૧૯: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યો છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડોલર (લગભગ ૪૧ લાખ કરોડ રૂપિયા)નો માલસામાન ખરીદશે. આ મહાસોદાની બ્લુપ્રિન્ટ પર માર્ચમાં મહોર વાગવાની સંભાવના છે. આ ડીલમાં સૌથી વધુ ઊર્જા, હાઈ-ટેક ઉપકરણ અને એવિએશન સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
મુંબઈમાં એક કાર્યક્રમમાં પીયૂષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે, ભારત ઊર્જાની જરૂરીયાત પૂરી કરવા માટે થોડા દેશો પર નિર્ભર રહેવા માંગતું નથી. ભારત ક્રૂડ તેલ અને કોલસાની ખરીદીના સ્રોતો વધારવા ઈચ્છે છે. તેમણે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં ઉપયોગ થતા કોકિગ કોલને લઈ ચિતા વ્યક્ત કરતા કહ્યું કે, ભારત આજે પણ કોકિગ કોલ માટે માત્ર બે કે ત્રણ દેશો પર નિર્ભર છે. આ ઉપરાંત તેની કિમતો સતત વધી રહી છે, તેથી અમેરિકા પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળા કોકિગ કોલની ભારતમાં આયાત થશે તો ઉદ્યોગોનો ફાયદો થશે.'
ટ્રેડ ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવા સંમત થયું છે, તેથી તેઓ આ તેલ ખરીદી મામલે ભારત પર ઝિકેલો ૨૫ ટેરીફ હટાવી દીધો છે.
ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી માત્ર કોમોડિટી સુધી સીમિત નથી. ભારતને અમેરિકા પાસેથી હાઈ-ટેક પ્રોડક્ટ પણ જોઈએ છે. રિપોર્ટ મુજબ ભારત એવિએશન કનેક્ટિવિટી વધારવા ઈચ્છે છે, તેથી આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસે ૧૦૦ અબજ ડોલરના વિમાન આપવાની માંગ કરી છે. ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU), ડેટા સેન્ટર ઉપકરણ અને હાઈ-પરર્ફોર્મેન્સ કોમ્પ્યુટર સિસ્ટમની જરૂર છે અને તે અમેરિકા આપી શકે છે.
ભારત-અમેરિકા વચ્ચે અંતિમ વેપાર સમજૂતી કરવા તેમજ કાયદાકીય ડ્રાફટને અંતિમ રૂપ આપવા માટે માટે ભારતીય પ્રતિનિધિમંડળ આગામી સપ્તાહે અમેરિકા જવાનું છે. પીયૂષ ગોયલે ભારપૂર્વક કહ્યું કે, આગામી ચાર વર્ષમાં ભારતે ૯ સમજૂતી કરાર કર્યા છે. આજની સ્થિત મુજબ ભારત એક મજબૂત દેશ તરીકે ઉભરી આવ્યું છે અને પોતાની શરતો પર જ વાતચીત કરી રહ્યું છે
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
