News of Thursday, 19th February 2026
બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું: કુર્સિયાંગના ધારાસભ્ય વિષ્ણુ પ્રસાદ શર્માએ 'કમળ' છોડી 'ઘાસફૂલ' પકડ્યું
મમતા બેનર્જીની હાજરીમાં વિષ્ણુ પ્રસાદ ટીએમસી (TMC) માં સામેલ: દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં ભાજપના ગઢમાં મોટું ભંગાણ, રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા

કુર્સિયાંગ, તા. ૧૯: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને પહાડી વિસ્તારમાં મોટો ફટકો પડ્યો છે. કુર્સિયાંગના બળવાખોર ભાજપ ધારાસભ્ય વિષ્ણુ પ્રસાદ શર્મા ગુરુવારે સત્તાવાર રીતે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાઈ ગયા છે. ચૂંટણીના થોડા સમય પહેલા જ પહાડી રાજકારણના આ જાણીતા ચહેરાનું પક્ષપલટો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ઘણા સમયથી પક્ષથી હતા નારાજ
વિષ્ણુ પ્રસાદ શર્મા ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષની કાર્યશૈલી અને ખાસ કરીને દાર્જિલિંગના ભાજપ સાંસદ રાજુ બિસ્તાથી નાખુશ હતા. તેમની આ નારાજગી એટલી હદે વધી હતી કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેમણે પોતાની જ પાર્ટીના ઉમેદવાર રાજુ બિસ્તા સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.
પહાડી વિસ્તારમાં બદલાશે સમીકરણો
દાર્જિલિંગ અને આસપાસના પહાડી વિસ્તારો પરંપરાગત રીતે ભાજપના ગઢ રહ્યા છે. વિષ્ણુ પ્રસાદ શર્માના ટીએમસીમાં જોડાવાથી હવે મમતા બેનર્જીની પાર્ટીને પહાડી વિસ્તારોમાં પોતાનો પગપેસારો કરવામાં મોટી મદદ મળી શકે તેમ છે. ટીએમસીમાં જોડાયા બાદ શર્માએ જણાવ્યું હતું કે તેઓ પહાડી વિસ્તારના વિકાસ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીના હાથ મજબૂત કરવા માંગે છે.
ભાજપ માટે મોટો પડકાર
એક તરફ ભાજપ બંગાળમાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે પોતાના જ ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળતા મળવી તે પાર્ટી માટે નકારાત્મક સંદેશ આપી શકે છે. કુર્સિયાંગ જેવી મહત્વની બેઠક પર ભાજપ હવે નવો ચહેરો શોધવા માટે મજબૂર બન્યું છે.
વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક પક્ષપલટા જોવા મળે તેવી શક્યતા રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
