<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

પશ્ચિમ બંગાળમાં 'નામ' પર રાજકીય સંગ્રામ: રામકૃષ્ણ પરમહંસને 'સ્વામી' કહેતા મમતા બેનર્જી પીએમ મોદી પર લાલઘૂમ, કહ્યું- "આ બંગાળી સંસ્કૃતિનું અપમાન"

"તેઓ સ્વામી નહીં પણ 'ઠાકુર' તરીકે પૂજાય છે": પીએમ મોદીની અજ્ઞાનતા કે સાંસ્કૃતિક અસંવેદનશીલતા? મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ઉગ્ર આક્રોશ

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મહાપુરુષોના નામ અને સંસ્કૃતિને લઈને નવો રાજકીય વિવાદ છેડાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે તેમણે બંગાળના મહાન સંત રામકૃષ્ણ પરમહંસની જયંતી પર તેમના નામ સાથે 'સ્વામી' શબ્દ જોડીને બંગાળની પરંપરાનું અપમાન કર્યું છે.
તાજેતરમાં રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પતા 'સ્વામી રામકૃષ્ણ પરમહંસ' કહીને સંબોધ્યા હતા. મમતા બેનર્જીએ આ સંબોધન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, બંગાળમાં રામકૃષ્ણ પરમહંસને ક્યારેય 'સ્વામી' કહેવામાં આવતા નથી, પરંતુ તેમને શ્રદ્ધાપૂર્વક 'ઠાકુર' તરીકે ઓળખવામાં આવે છે. પીએમ મોદીએ કરેલું આ સંબોધન બંગાળની વિભૂતિઓ પ્રત્યેની તેમની 'સાંસ્કૃતિક અસંવેદનશીલતા' દર્શાવે છે.
 મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે, બહારથી આવતા નેતાઓ બંગાળના ઈતિહાસ અને સંસ્કૃતિને જાણ્યા વગર માત્ર ચૂંટણીલક્ષી વાતો કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 'સ્વામી' શબ્દ સામાન્ય રીતે સ્વામી વિવેકાનંદ માટે વપરાય છે, જ્યારે રામકૃષ્ણ પરમહંસ તો તેમના ગુરુ અને સાક્ષાત્ અવતાર ગણાય છે, જેમને બંગાળી જનતા હૃદયથી 'ઠાકુર' માને છે. તૃણમૂલ કોંગ્રેસે પણ આ મુદ્દે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ બંગાળીઓના મનમાં સ્થાન મેળવવા મથે છે પણ બંગાળની પાયાની સંસ્કૃતિથી જ અજાણ છે.
બંગાળમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે બંગાળી અસ્મિતાનો મુદ્દો હંમેશા મોખરે રહે છે. મમતા બેનર્જી અવારનવાર ભાજપને 'બહારી' પાર્ટી ગણાવીને બંગાળી સંસ્કૃતિના રક્ષક તરીકે પોતાને રજૂ કરે છે. પીએમ મોદીના એક સંબોધને હવે મમતાને ભાજપ વિરુદ્ધ ફરી એકવાર 'સ્થાનિક વિરુદ્ધ બહારના'નો મુદ્દો ઉછાળવાની તક આપી દીધી છે. જ્યારે ભાજપ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ વિવાદે સોશિયલ મીડિયા પર બંગાળી નેટીઝન્સમાં પણ નવી ચર્ચા જગાવી દીધી છે

(6:51 PM IST)