<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

"ટીકા કેમ? રાફેલ તો ભારતને સુપરપાવર બનાવશે!" : વિપક્ષોના સવાલો પર રાષ્ટ્રપતિ મેક્રોનનો દિલ્હીથી જડબાતોડ જવાબ

₹3.25 લાખ કરોડના 114 રાફેલ જેટના સોદાનો મેક્રોને કર્યો જોરદાર બચાવ: 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ બનશે વિમાનના સ્પેરપાર્ટ્સ : ટાટા-એરબસ જેવી ભાગીદારી હવે આકાશમાં પણ દેખાશે

નવી દિલ્હી:  ભારતીય આકાશમાં હવે ફ્રાન્સના 'રાફેલ'નો દબદબો વધુ મજબૂત થવા જઈ રહ્યો છે. દિલ્હીમાં આયોજિત 'AI ઇમ્પેક્ટ સમિટ'માં ભાગ લેવા આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને 114 નવા રાફેલ ફાઇટર જેટના સોદા પર ચાલી રહેલી રાજકીય ટીકાઓને સજ્જડ જવાબ આપ્યો છે. મેક્રોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "મને સમજાતું નથી કે લોકો આ સોદાની ટીકા કેમ કરે છે? આ વિમાનો તમારા દેશની સેનાને મજબૂત બનાવે છે." સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની DAC એ તાજેતરમાં જ ₹3.25 લાખ કરોડના આ મેગા સોદાને લીલી ઝંડી આપી છે, જે ભારત-ફ્રાન્સની મિત્રતામાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે.

મેક્રોને માત્ર વિમાન વેચવાની વાત નથી કરી, પરંતુ ભારતને ટેકનોલોજી સોંપવાનો પણ વિશ્વાસ અપાવ્યો છે. તેમણે ટાટા-એરબસ પ્રોજેક્ટનું ઉદાહરણ આપતા કહ્યું કે, ફ્રાન્સ રાફેલના મહત્વના ઘટકો ભારતમાં જ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સોદો માત્ર સરહદ પર સુરક્ષા જ નહીં, પરંતુ ભારતમાં હજારો નવી રોજગારીની તકો પણ ઉભી કરશે. મેક્રોને વધુમાં ઉમેર્યું કે, "તમે અમારા પર આંખ મીંચીને વિશ્વાસ કરી શકો છો," જે દર્શાવે છે કે રશિયા કે અમેરિકા કરતાં ફ્રાન્સ હવે ભારતનું વધુ વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદાર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

સમિટમાં હાજરી આપતા પહેલા મેક્રોન દિલ્હીના પ્રસિદ્ધ ગુરુદ્વારા બંગલા સાહિબ પહોંચ્યા હતા, જ્યાં તેમણે માથું ટેકવીને ભારતની સંસ્કૃતિ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારત સરહદી સુરક્ષા માટે હાઈ-ટેક હથિયારોની તાતી જરૂરિયાત અનુભવી રહ્યું છે. મેક્રોનનો આ પ્રવાસ અને રાફેલ સોદા પરનું તેમનું મજબૂત વલણ ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે પણ એક મોટો સંદેશ છે. આગામી દિવસોમાં આ 114 રાફેલ જેટ વાયુસેનાના કાફલામાં સામેલ થવાથી ભારતની શક્તિમાં અનેકગણો વધારો થશે.

(6:59 PM IST)