<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

કામાખ્યાના આંગણે ભવિષ્યવાણી! સાધુએ પ્રિયંકા ગાંધીના માથા પર હાથ મૂકી કહ્યું- "મારી દીકરી વડાપ્રધાન બનશે,": વાયરલ વીડિયોએ મચાવ્યો હોબાળો

આસામ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પ્રચારના શ્રીગણેશ કરવા પહોંચેલા પ્રિયંકા ગાંધીનું શક્તિપીઠમાં ભવ્ય સ્વાગત : સાધુના આશીર્વાદ સાંભળી પ્રિયંકાએ આપ્યું સ્મિત સાથે 'ઓહ'નું રિએક્શન

ગુવાહાટી:  આસામમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે, ત્યારે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે જ્યારે ગુવાહાટી પહોંચ્યા, ત્યારે રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો હતો. સવારે ૧૦ વાગ્યે ગોપીનાથ બોરદોલોઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પ્રિયંકા ગાંધી સીધા જ પ્રસિદ્ધ શક્તિપીઠ મા કામાખ્યાના શરણે પહોંચ્યા હતા. ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કર્યા બાદ મંદિર પરિસરમાં તેમની મુલાકાત એક નાગા સાધુ સાથે થઈ હતી. સાધુએ પ્રિયંકા સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ મુલાકાત દરમિયાન જે બન્યું તેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નાગા સાધુએ અત્યંત વાત્સલ્ય સાથે પ્રિયંકા ગાંધીના માથા પર આશીર્વાદનો હાથ મૂક્યો અને જોરદાર અવાજે ભવિષ્યવાણી કરી કે, "આપણી આ દીકરી એક દિવસ દેશની વડાપ્રધાન બનશે." આ શબ્દો સાંભળીને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સાધુની આ વાત પર પ્રિયંકા ગાંધીએ ક્ષણભર માટે આશ્ચર્ય સાથે 'ઓહ!' એવું રિએક્શન આપ્યું અને પછી નમ્રતાપૂર્વક સ્મિત વેરતા આગળ વધી ગયા હતા. આ આશીર્વાદ માત્ર આધ્યાત્મિક હતા કે પછી આવનારા સમયના રાજકીય સંકેત, તે અંગે હવે ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.

કામાખ્યા મંદિરની આ મુલાકાત બાદ પ્રિયંકા ગાંધીએ આસામ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજીને ૨૦૨૬ની રણનીતિ પર મંથન શરૂ કર્યું છે. કોંગ્રેસના કાર્યકરોમાં આ ઘટનાને કારણે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે વિપક્ષી છાવણીમાં પણ આ 'ભવિષ્યવાણી'ના ચર્ચાઓ ચાલી રહ્યા છે. પ્રિયંકા ગાંધી જે રીતે આસામમાં સક્રિય થયા છે અને ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ રહ્યા છે, તે જોતા લાગે છે કે કોંગ્રેસ આ વખતે આસામમાં સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. મંદિર પરિસરમાં મળેલી આ 'દૈવી' પ્રોત્સાહન આગામી ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ માટે કેટલું ફાયદાકારક રહેશે તે તો સમય જ બતાવશે.

(7:00 PM IST)