News of Thursday, 19th February 2026
ક્રિકેટના મેદાનમાં કાળનો પંજો: મધમાખીઓના હુમલામાં દિગ્ગજ અમ્પાયરનું મોત
ઉન્નાવના સપ્રુ સ્ટેડિયમમાં ખેલાડીઓ અને અમ્પાયરો પર તૂટી પડ્યું મધમાખીઓનું ટોળું : ૧૦ મિનિટમાં ૫૦થી વધુ ડંખ મારતા અમ્પાયર માણિક ગુપ્તા ઢળી પડ્યા : ૩ દાયકાની ક્રિકેટ સફરનો કરુણ અંત,

ઉન્નાવ: રમતગમતના ઇતિહાસમાં કદાચ આવી દર્દનાક ઘટના ક્યારેય બની નહીં હોય. ઉન્નાવના શુક્લાગંજ સ્થિત સપ્રુ સ્ટેડિયમમાં જ્યારે અંડર-૧૩ ક્રિકેટ લીગની મેચમાં માસૂમ બાળકો ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યા હતા, ત્યારે અચાનક આકાશમાંથી મધમાખીઓના લશ્કરે મોતનું તાંડવ મચાવ્યું હતું. બાઉન્ડ્રી પાસેના વડના ઝાડ પરથી ઉડેલા મધમાખીઓના ટોળાએ મેદાનમાં હાજર દરેક વ્યક્તિ પર હુમલો કર્યો. ખેલાડીઓ અને સ્ટાફ જીવ બચાવવા મેદાનમાં આડા પડ્યા કે બાથરૂમમાં છુપાયા, પરંતુ ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા સિનિયર અમ્પાયર માણિક ગુપ્તા માટે કાળ સામે આવીને ઉભો રહ્યો. દોડતી વખતે તેઓ પડી ગયા અને ૧૦ મિનિટ સુધી ૫૦થી વધુ મધમાખીઓએ તેમના પર સતત હુમલો ચાલુ રાખ્યો, જેનાથી તેમના આખા શરીર પર ડંખના વિષચક્ર બની ગયા હતા.
અત્યંત ગંભીર હાલતમાં માણિક ગુપ્તાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યારે સારવારમાં મળેલી વિલંબ અને બે-ત્રણ હોસ્પિટલોના નકારાત્મક વલણે પરિસ્થિતિ વધુ વણસાવી દીધી. પૂર્વ રણજી ખેલાડી રાહુલ સપ્રુ તેમને પોતાની કારમાં કાનપુરની હેલેટ હોસ્પિટલ લઈ દોડ્યા હતા, પરંતુ રસ્તામાં જ હૃદયરોગના દર્દી એવા માણિક ગુપ્તાના શ્વાસ થંભી ગયા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા જ કાનપુર ક્રિકેટ એસોસિએશન (KCA) માં શોકનું મોજું ફરી વળ્યું. તેમના નિધનથી માત્ર ક્રિકેટ જગતે એક નિષ્ઠાવાન અમ્પાયર જ નથી ગુમાવ્યા, પરંતુ એક હસતા-રમતા પરિવારે તેમનો આધાર ગુમાવ્યો છે.
ભગવત દાસ ઘાટ પર જ્યારે માણિક ગુપ્તાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે હાજર રહેલા કઠણ કાળજાના પુરુષોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જે પિતાના ખભા પર બેસીને દીકરીઓ મોટી થઈ હતી, તે જ પિતાની ચિતાને નાની પુત્રી સમૃદ્ધિએ મુખાગ્નિ આપ્યો હતો. પિતાનો ચહેરો વારંવાર લૂછતી અને રડતી સમૃદ્ધિએ જ્યારે ચિતા પ્રગટાવી, ત્યારે સ્મશાનમાં ગમગીની છવાઈ ગઈ હતી. KCA ના પ્રમુખ એસ.એન. સિંહે આ ઘટનાને કમનસીબ ગણાવીને મેદાન પરની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક અમ્પાયર જેણે હજારો ખેલાડીઓને આઉટ આપ્યા હતા, તે આજે કુદરતના એક ક્રૂર નિર્ણય સામે જિંદગીની મેચ હારી ગયા.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
