<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

હું ડરવાનો નથી: કોર્ટમાં ટ્રાયલનો સામનો કરીશ!" : લેન્ડ ફોર જોબ્સ કૌભાંડમાં તેજ પ્રતાપ યાદવની લલકાર: લાલુ પરિવાર પર આરોપો ઘડાયા

રાઉજ એવન્યુ કોર્ટમાં તેજ પ્રતાપ યાદવે તમામ આક્ષેપો ફગાવ્યા: 'ગુનેગાર ગેંગ' જેવી ટિપ્પણી વચ્ચે લાલુ પ્રસાદના મોટા પુત્રની હાજરી: વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મળી પણ કાયદાકીય ગાળિયો વધુ કસાયો

નવી દિલ્હી:  બિહારના રાજકારણમાં વર્ષોથી ગાજતા 'લેન્ડ ફોર જોબ્સ' (જમીનના બદલામાં નોકરી) કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં લાલુ પ્રસાદના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવ રજૂ થયા હતા. કોર્ટના કઠેડામાં ઊભા રહીને તેજ પ્રતાપે સીબીઆઈ (CBI) દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કોર્ટને જણાવ્યું કે તેઓ કોઈપણ તપાસથી ડરતા નથી અને આ કેસમાં કાયદેસરની ટ્રાયલનો સામનો કરવા તૈયાર છે.

આ કેસમાં કોર્ટે તેજ પ્રતાપ સામે ઔપચારિક રીતે આરોપો ઘડ્યા છે, જે તપાસ પ્રક્રિયામાં એક મહત્વનો વળાંક માનવામાં આવે છે. જોકે, રાહતની વાત એ રહી કે કોર્ટે તેમને ભવિષ્યની સુનાવણીઓમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે. અગાઉ ૧૬ ફેબ્રુઆરીએ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીએ પણ આ જ રીતે કોર્ટમાં હાજર રહીને પોતાની સામેના આરોપોને ફગાવી દીધા હતા. જાન્યુઆરી મહિનામાં કોર્ટે આ મામલે અત્યંત કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે લાલુ પરિવાર અને તેમના સાથીદારોએ એક 'ગુનેગાર ગેંગ'ની જેમ સંગઠિત થઈને આ આખું ષડયંત્ર રચ્યું હતું, જેણે આ દેશના ન્યાયતંત્રમાં ચર્ચા જગાવી છે.

સીબીઆઈનો આરોપ છે કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા, ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં અનેક લોકો પાસેથી જમીનો પડાવવામાં આવી હતી અને આ જમીનો લાલુ પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કૌભાંડમાં તેજસ્વી યાદવ, રાબડી દેવી અને તેજ પ્રતાપ સહિત આખો પરિવાર તપાસના ઘેરામાં છે. અત્યારે ૨૫ ફેબ્રુઆરી સુધીની મુદત દરમિયાન આરોપો ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. બિહારમાં ચૂંટણીનો માહોલ નજીક છે ત્યારે આ કાનૂની કાર્યવાહી તેજ થતા લાલુ પરિવાર માટે રાજકીય અને કાયદાકીય એમ બંને મોરચે લડાઈ વધુ જટિલ બની ગઈ છે.

(7:01 PM IST)