તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Thursday, 19th February 2026
ટાટા સ્ટીલનો સ્ટોક રોકેટ બન્યો: ₹૨૧૧ની સર્વકાલીન ઊંચી સપાટી વટાવી નવો રેકોર્ડ બનાવ્યો, શંે હવે ₹૨૪૦ તરફ જશે શેર?
મોતીલાલ ઓસ્વાલ અને જેપી મોર્ગન ટાટા સ્ટીલ પર ફિદા: નફો ૮ ગણો વધતા રોકાણકારો માલામાલ, સ્ટીલની વધતી માંગ અને ક્ષમતા વિસ્તરણ કંપની માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે

મુંબઈ:શેરબજારમાં અત્યારે ટાટા ગ્રુપની કંપનીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ગુરુવારે ટાટા સ્ટીલના શેરે રોકાણકારોને ખુશ કરી દીધા છે. બ્રોકરેજ હાઉસના તેજીના અહેવાલો અને કંપનીના શાનદાર ત્રિમાસિક પરિણામોને પગલે ટાટા સ્ટીલનો શેર ₹૨૧૧ની ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જો તમે આ તેજીનો લાભ લેવાનું ચૂકી ગયા હોવ, તો નિષ્ણાતો હજુ પણ આ સ્ટોકમાં મોટી કમાણીની તક જોઈ રહ્યા છે.
દિગ્ગજ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે ટાટા સ્ટીલ પર 'BUY' રેટિંગ આપતા ₹૨૪૦નો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન ભાવથી ૧૪% વધુ ઉછાળો સૂચવે છે. તેવી જ રીતે, જેપી મોર્ગને પણ આ સ્ટોકને મેટલ સેક્ટરમાં પોતાની 'ટોપ પિક' ગણાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬ થી ૨૦૩૦ વચ્ચે ભારતમાં સ્ટીલની માંગમાં ૮-૧૦%નો જોરદાર વધારો થશે, જેનો સીધો ફાયદો ટાટા સ્ટીલને મળશે.
ટાટા સ્ટીલે ડિસેમ્બર ક્વાર્ટરમાં અદભૂત કામગીરી કરી છે. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના ₹૩૨૬.૬ કરોડથી વધીને ₹૨,૬૮૮.૭ કરોડ થયો છે, જે લગભગ ૮ ગણો ઉછાળો દર્શાવે છે. આ આંકડાઓ સાબિત કરે છે કે કંપનીની કાર્યક્ષમતા અને માર્જિનમાં મોટો સુધારો થયો છે. ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલી સેફગાર્ડ ડ્યુટીને કારણે સસ્તી આયાત ઘટી છે, જેનાથી સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવમાં વધારો થયો છે અને ટાટા સ્ટીલના નફાને પાંખો મળી છે.
કંપની માત્ર વર્તમાન પર જ નહીં પરંતુ ભવિષ્ય પર પણ ધ્યાન આપી રહી છે. ટાટા સ્ટીલ પોતાની ઉત્પાદન ક્ષમતા ૨૦૨૫ સુધીમાં ૨૬.૫ મિલિયન ટનથી વધારીને ૨૦૩૧ સુધીમાં ૪૦ મિલિયન ટન (MTPA) કરવા માંગે છે. આ ક્ષમતા વિસ્તરણ કંપનીને બજારમાં એકહથ્થુ શાસન કરવામાં મદદ કરશે. વધુમાં, યુરોપના વ્યવસાયમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે, જે અત્યાર સુધી કંપની માટે ચિંતાનો વિષય હતો.
મજબૂત સ્થાનિક માંગ, સ્ટીલના વધતા ભાવ અને ક્ષમતા વિસ્તરણના ટ્રિગર્સને જોતા ટાટા સ્ટીલ લાંબા ગાળાના રોકાણ માટે એક મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે. જોકે, શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોવાથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા નાણાકીય સલાહકારની મદદ લેવી હિતાવહ છે
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
