<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

કાશ્મીરમાં ફરી લોહિયાળ ઈતિહાસ દોહરાવવાનું ષડયંત્ર? ૧૯૯૦ના ખૌફનાક 'મુસ્લિમ જાનબાઝ ફોર્સ'ના નામે પંડિતોને મોતની ધમકી!

કુલગામમાં આતંકી સંગઠનના પોસ્ટરો દેખાતા કાશ્મીરી પંડિતોમાં ફફડાટ : 'પીએમ પેકેજ'ના કર્મચારીઓની સુરક્ષા સામે સવાલ : ૧૯૯૦ના દાયકા જેવો આતંક ફેલાવવાની કોશિશ વચ્ચે સુરક્ષા દળોએ વધાર્યું પેટ્રોલિંગ અને જારી કરી નવી ગાઈડલાઈન્સ

કુલગામ  : જમ્મુ-કાશ્મીરની ધરતી પરથી ફરી એકવાર ૧૯૯૦ના કાળા દાયકા જેવી આતંકની ગુંજ સંભળાઈ રહી છે, જેણે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભયનો માહોલ પેદા કર્યો છે. લાંબા સમયથી નિષ્ક્રિય ગણાતા આતંકી સંગઠન 'મુસ્લિમ જાનબાઝ ફોર્સ'ના નામે ઠેર-ઠેર પોસ્ટરો જોવા મળ્યા છે, જેમાં કાશ્મીરી પંડિતોને સીધી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ એ જ સંગઠન છે જેણે ૯૦ના દાયકામાં પંડિતોના નરસંહાર અને પલાયનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે ફરીથી તેના નામે પોસ્ટરો સામે આવતા ખીણમાં વસેલા લઘુમતી સમુદાય અને સરકારી કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતિત બન્યા છે.

આ ધમકી બાદ કાશ્મીરી પંડિત સમુદાયના અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તા સંદીપ માવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ આતંકવાદીઓ ફરી એકવાર ખીણનું વાતાવરણ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુલગામ જિલ્લામાં જ્યાં ૫૦૦થી વધુ પંડિત પરિવારો અને પીએમ પેકેજ હેઠળના કર્મચારીઓ રહે છે, ત્યાં પોલીસ દ્વારા તાકીદની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ખાસ કરીને સાંજ પછી ઘરોમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. અગાઉ TRF જેવા સંગઠનોએ પણ 'ટાર્ગેટેડ કિલિંગ' દ્વારા ભય ફેલાવ્યો હતો, ત્યારે આ નવા પોસ્ટર વોરે પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે.

પોલીસ પ્રશાસન અત્યારે ફૂંકી-ફૂંકીને ડગલાં ભરી રહ્યું છે અને દરેક નાકા પર તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ પોસ્ટરો કોણે અને કયા ઈરાદે લગાવ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. કાશ્મીરમાં જે રીતે સ્થિતિ સામાન્ય થઈ રહી હતી, તે વચ્ચે આવા સંગઠનનું પુનરાગમન થવું એ સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર છે. જોકે, કાશ્મીરી પંડિતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વખતે ડરવાના નથી અને આતંક સામે ઝઝૂમશે. સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની કુમક તૈનાત કરી છે અને પંડિતોના રહેણાંક વિસ્તારોની આસપાસ સુરક્ષા કવચ વધુ મજબૂત બનાવ્યું છે.

(9:36 PM IST)