હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્ટાલિન સરકારની મોટી ભેટ: તમિલનાડુની ૧.૩૧ કરોડ મહિલાઓને દર વર્ષે મળશે ₹૨,૦૦૦નું 'સ્પેશિયલ સમર પેકેજ', સીધા બેંક ખાતામાં જમા થશે રકમ
ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો માસ્ટરસ્ટ્રોક: 'કલાઈનાર માગાલીર ઉરીમાઈ થિટ્ટમ' હેઠળ મહિલાઓને અત્યાર સુધીમાં કુલ ₹૫,૦૦૦ની સહાય મળી, આગામી વર્ષોમાં પણ ઉનાળાનું પેકેજ ચાલુ રાખવાની મંત્રી ગીતા જીવનની જાહેરાત

ચેન્નાઈ : તમિલનાડુની ડીએમકે (DMK) સરકારે રાજ્યની મહિલાઓ માટે આર્થિક સહાયનો પિટારો ખોલ્યો છે. સમાજ કલ્યાણ મંત્રી ગીતા જીવને વિધાનસભામાં જાહેરાત કરી છે કે, રાજ્યની પાત્રતા ધરાવતી મહિલાઓને હવે દર વર્ષે ₹૨,૦૦૦નું વિશેષ ઉનાળુ પેકેજ આપવામાં આવશે. આ રકમ દર વર્ષે ઉનાળાની સીઝન શરૂ થાય તે પહેલાં મહિલા લાભાર્થીઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે.
ફેબ્રુઆરીમાં મહિલાઓના ખાતામાં ₹૫,૦૦૦ જમા થયા
મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને તાજેતરમાં જ ૧૩ ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી કે, રાજ્યની ૧.૩૧ કરોડ મહિલા પરિવારના વડાઓના ખાતામાં ₹૫,૦૦૦ની સહાય સીધી જમા કરી દેવામાં આવી છે. આ રકમમાં ત્રણ મહિના (ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ) ના એડવાન્સ હપ્તા પેટે ₹૩,૦૦૦ અને આ વર્ષના ખાસ ઉનાળુ પેકેજ તરીકે ₹૨,૦૦૦નો સમાવેશ થાય છે.
શા માટે અપાયા એડવાન્સ નાણાં?
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આગામી સમયમાં ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ થઈ શકે છે. જો આચારસંહિતા દરમિયાન આ સહાય અટકી જાય, તો ઉનાળાના આકરા દિવસોમાં મહિલાઓને ઘર ચલાવવામાં તકલીફ ન પડે તે માટે સરકારે અગાઉથી જ આ રકમ મોકલી દીધી છે. મંત્રી ગીતા જીવને ખાતરી આપી છે કે આ ₹૨,૦૦૦નું વિશેષ પેકેજ દર વર્ષે 'કલાઈનાર માગાલીર ઉરીમાઈ થિટ્ટમ' ના લાભાર્થીઓને મળતું રહેશે.
'દ્રવિડિયન મોડેલ ૨.૦' માં રકમ ડબલ કરવાનું વચન
મુખ્યમંત્રી સ્ટાલિને વધુમાં વચન આપ્યું છે કે જો તેમની સરકાર ફરીથી સત્તા પર આવશે, તો માસિક સહાયની રકમ ₹૧,૦૦૦ થી વધારીને ₹૨,૦૦૦ કરવામાં આવશે. આ યોજના હેઠળ એવી મહિલાઓ પાત્ર છે જેમની વાર્ષિક કૌટુંબિક આવક ₹૨.૫ લાખથી ઓછી છે અને જેમના પરિવાર પાસે રેશનકાર્ડ છે.
વિપક્ષો આ યોજનાને ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે, પરંતુ તમિલનાડુની મહિલાઓમાં આ આર્થિક સહાયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
