<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ભારત-બાંગ્‍લાદેશ સંબંધોમાં નવી શરૂઆત? વિઝા સેવાઓ ફરી સંપૂર્ણ શરૂ થવાના સંકેત

બંને દેશો વચ્‍ચેના સંબંધો પરસ્‍પર આદર અને સહકાર પર આધારિત છે અને બંને દેશો સંબંધોને મજબૂત બનાવવા ઇચ્‍છુક છે

નવી દિલ્‍હી,તા.૨૦: ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે છેલ્‍લા થોડા સમયથી ચાલતા તણાવપૂર્ણ સંબંધોમાં હવે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. અને ફરી સકારાત્‍મક વાતચીત શરૂ થવાની શક્‍યતા છે. ખાસ કરીને વિઝા સેવાઓને લઈને મહત્‍વપૂર્ણ જાહેરાતો સામે આવી રહી છે.

બાંગ્‍લાદેશી મીડિયા અહેવાલો મુજબ સિલ્‍હટ ખાતે ભારતના વરિષ્ઠ કોન્‍સ્‍યુલર અધિકારી અનિરુદ્ધ દાસે જણાવ્‍યું છે કે, ટૂંક સમયમાં બધી જ કેટેગરીની વિઝા સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. હાલમાં મેડિકલ અને ડબલ-એન્‍ટ્રી વિઝા આપવામાં આવી રહ્યા છે, જ્‍યારે ટૂરિસ્‍ટ સહિતની અન્‍ય કેટેગરીઓને પણ તબક્કાવાર શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્‍યું કે, ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચેના સંબંધો પરસ્‍પર આદર અને સહકાર પર આધારિત છે, અને બંને દેશો સંબંધોને મજબૂત બનાવવા ઇચ્‍છુક છે.

જુલાઈઓગસ્‍ટ ૨૦૨૪ દરમિયાન બાંગ્‍લાદેશમાં થયેલા આંદોલનો બાદ રાજકીય પરિસ્‍થિતિમાં મોટો ફેરફાર આવ્‍યો હતો. તે સમયગાળા દરમિયાન શેખ હસીનાના નેતૃત્‍વ હેઠળની સરકાર પદભ્રષ્ટ થઈ હતી. આ ઘટના પછી બંને દેશો વચ્‍ચેના સંબંધોમાં તણાવ વધ્‍યો અને સુરક્ષા કારણોસર વિઝા સેવાઓ સ્‍થગિત કરવામાં આવી. તે પહેલાં રોજિદા આશરે ૮,૦૦૦ વિઝા જાહે થતા હતા, પરંતુ પછી આ સંખ્‍યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી.

વચગાળાની સરકાર તરીકે મોહમ્‍મદ યુનુસના સમયમાં બંને દેશો વચ્‍ચેનો તણાવ વધુ સ્‍પષ્ટ બન્‍યો. કેટલીક જગ્‍યાએ ભારત વિરોધી પ્રદર્શન થયા અને સુરક્ષા કારણોસર ઢાકા, ચિત્તાગોંગ સહિતના શહેરોમાં વિઝા સેન્‍ટરો તાત્‍કાલિક બંધ કરવામાં આવ્‍યા.

તાજેતરની ચૂંટણી બાદ તરીક રહેમાન વડા પ્રધાન તરીકે આગળ આવ્‍યા છે. તેમના નેતૃત્‍વમાં ભારત સાથેના સંબંધો સુધરવાની આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(10:14 AM IST)