<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

કચ્છમાં એસએમસીની ઐતિહાસિક રેડ : ભુજના વડવાલા ગામેથી ૪ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો : પશ્ચિમ કચ્છના લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ : જુઓ વિડીયો

એસએમસીના પીએસઆઈ એસ.વી. ગલચરની ટીમ દ્વારા કુલ ૫.૦૯ કરોડનો મુદ્દામાલ જપ્ત : નવજ્યોત ઉર્ફે નવઘણ રાજગોર અને અનોપસિંહ રાઠોડ સહિત ૨૩ આરોપીઓ વોન્ટેડ જાહેર : ૨ શખ્સોની ધરપકડ

વિનોદ ગાલા દ્વારા, ભુજ, તા. 20 : કચ્છ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વડવાલા ગામની સીમમાં ચાલી રહેલા મોટા પાયાના દારૂના કટિંગ પર એસએમસીની ટીમે ત્રાટકીને ૪ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને વાહનો મળી કુલ ૫.૦૯ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડાએ સરહદી જિલ્લામાં ચાલતા દારૂના કાળા કારોબારના નેટવર્કને હચમચાવી દીધું છે.
સર્વે નંબર ૩૯ માં ચાલતું હતું દારૂનું મસમોટું કટિંગ:
એસએમસીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુજ તાલુકાના વડવાલા ગામના સર્વે નંબર ૩૯ માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૫૬,૦૮૮ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૪,૦૦,૮૫,૨૭૦/- આંકવામાં આવી છે. દારૂનો આટલો મોટો જથ્થો જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
૬ વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત:
દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા કુલ ૬ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ૨ ટાટા ટ્રક, ૩ ટાટા મિની ટ્રક અને ૧ મહિન્દ્રા પીકઅપ વાહનનો સમાવેશ થાય છે. આ વાહનોની કુલ કિંમત રૂ. ૧,૦૮,૨૧,૦૦૦/- થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી ૨ મોબાઈલ ફોન અને તાલપત્રી પણ કબજે લેવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન કુલ રૂ. ૫,૦૯,૦૬,૨૭૦/- નો મુદ્દામાલ પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
૨ આરોપીની ધરપકડ, ૨૩ નામચીન બુટલેગરો વોન્ટેડ:
પોલીસે સ્થળ પરથી જસરામ જગા ભરવાડ (રહે. વિક્રમ, રાપર) અને વિશાલ બિરેન કરમકામ (રહે. મેઘપર, બોરીચી) ની ધરપકડ કરી છે. જ્યારે આ દારૂનો જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનાર ૨૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં કચ્છના લિસ્ટેડ બુટલેગરો નવજ્યોત ઉર્ફે નવઘણ રાજગોર (ભુજ), અનોપસિંહ અભેસિંહ રાઠોડ (કેરા, ભુજ), દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી (ગાંધીધામ) અને હરિયાણાના સપ્લાયર મુસ્તફા ઉર્ફે રાહુલ ઉર્ફે મહાકાલ પઠાણનો સમાવેશ થાય છે. અન્ય વોન્ટેડ શખ્સોમાં શિવરાજ ગઢવી, રાહુલ મહારાજ, ગોપાલ કેશાજી રાજગોર, જેસી બાવાજી અને નવઘણના પાંચ માણસોનો સમાવેશ થાય છે.
કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ:
એસએમસીના પીએસઆઈ એસ.વી. ગલચરની ફરિયાદના આધારે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨) અને ૧૧૬(બી) તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી) (સંગઠિત ગુનાખોરી), ૧૧૧(૩)(૪) અને ૨૩૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

(3:15 PM IST)