હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસમાં ડખ્ખાઃ રાહુલ ગાંધીએ જેને ‘તમાશો' કહ્યો, શશિ થરૂરે તેને ‘વૈશ્વિક વિજય' ગણાવી મોદી સરકારના કર્યા વખાણ
રાહુલ ગાંધીના ‘PR સ્ટંટ' વાળા દાવાઓને ફગાવી દઈને સમિટને ગણાવી દેશની રાજદ્વારી સફળતા : એઆઇ સમિટમાં ચીની રોબોટના વિવાદ વચ્ચે થરૂરે પ્રોટોકલ તોડીને મોદીના વિઝનને આપ્યું સમર્થન

નવી દિલ્હી, તા.૨૦: ભારતીય રાજકારણમાં ફરી એકવાર બુદ્ધિજીવી વિરુદ્ધ પાર્ટી નિષ્ઠાનો જંગ છેડાયો છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ ને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે જે વલણ અપનાવ્યું છે તેણે રાજકીય વર્તુળોમાં ભૂકંપ લાવી દીધો છે. એક તરફ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આ સમિટને જનતાના પૈસાનો બગાડ અને માત્ર એક પીઆર તમાશો ગણાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શશિ થરૂરે ખુલ્લેઆમ આ ઇવેન્ટની પ્રશંસા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતળત્વમાં ભારતે મેળવેલી એઆઇ સિદ્ધિઓને બિરદાવી છે. થરૂરના આ નિવેદનને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે તે વિપક્ષની એકતાના દાવાઓ પર સવાલ ઉભા કરે છે.
આ વિવાદની શરૂઆત સમિટમાં પ્રદર્શિત થયેલા એક રોબોટ ડોગથી થઈ હતી. રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે મેક ઇન ઇન્ડિયાના પ્રદર્શનમાં ચીની રોબોટ બતાવીને સરકારે દેશની શરમજનક સ્થિતિ કરી છે. જોકે, શશિ થરૂરે આ વિવાદને નાની ભૂલ ગણાવીને ફગાવી દીધો હતો. તેમણે તર્ક આપ્યો કે ૧૧૯ દેશોના નેતાઓ અને ૨૦ દેશોના રાષ્ટ્રપ્રમુખો જે કાર્યક્રમમાં હાજર હોય, તેની ભવ્યતા અને રાજદ્વારી સફળતા પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે કોઈ એકાદ સ્ટોલની ખામી પર. થરૂરે ભારપૂર્વક કહ્યું કે એઆઇ ક્ષેત્રે ભારત જે રીતે વિશ્વનું નેતળત્વ કરી રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે અને નાની બાબતોને અતિશયોક્તિ આપવાની જરૂર નથી.
સમિટમાં વડાપ્રધાન મોદીએ ગ્લોબલ સાઉથ માટે એઆઇ ટેકનોલોજીના સમાન વિતરણની વાત કરી હતી, જેને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ ટેકો આપ્યો હતો. મેક્રોને ભારતના ૧.૪ અબજ લોકોને ડિજિટલ રીતે જોડવાના પ્રયાસોને ક્રાંતિકારી ગણાવ્યા હતા. શશિ થરૂરના મતે, જ્યારે વૈશ્વિક નેતાઓ ભારતની પ્રશંસા કરી રહ્યા હોય ત્યારે સ્થાનિક રાજકારણને કારણે દેશની છબી ખરડવી જોઈએ નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજી અને વિદેશ નીતિના મામલે પક્ષપાતી રાજકારણથી ઉપર ઉઠવું જરૂરી છે. થરૂરનો આ અંદાજ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો બની ગયો છે, કારણ કે હજુ થોડા દિવસો પહેલા જ તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી સુમેળ સાધવાનો પ્રયાસ કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
