News of Friday, 20th February 2026
ભારતીયો માટે અમેરિકાના દ્વાર વધુ ખુલ્યા: માર્ચ ૨૦૨૬ના વિઝા બુલેટિનમાં ગ્રીન કાર્ડની પ્રતીક્ષા યાદીમાં મોટો ઉછાળો
EB-2 અને EB-4 શ્રેણીમાં મહિનાઓનો કૂદકો; રોજગાર આધારિત વિઝાની ફાઇલિંગ તારીખોમાં પણ નોંધપાત્ર ફેરફારથી હજારો અરજદારોને રાહત

વોશિંગ્ટન: અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કુશળ કામદારો માટે માર્ચ ૨૦૨૬નું વિઝા બુલેટિન મોટી ખુશખબર લઈને આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા મુજબ, રોજગાર-આધારિત (Employment-Based) ગ્રીન કાર્ડ શ્રેણીઓમાં ૨૦૨૧ પછીની સૌથી મોટી હિલચાલ જોવા મળી છે, જે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા અરજદારો માટે આશાનું કિરણ બની છે.
EB-2 અને EB-4 શ્રેણીમાં 'રોકેટ ગતિ'
આ મહિનાના બુલેટિનમાં સૌથી મોટો ફાયદો ચોથી પસંદગી શ્રેણી (EB-4) અને બીજી પસંદગી શ્રેણી (EB-2) ના ઉમેદવારોને થયો છે:
• EB-4 (ખાસ ઇમિગ્રન્ટ્સ): અંતિમ એક્શન ચાર્ટમાં આ શ્રેણી ૧ જાન્યુઆરી, ૨૦૨૧ થી સીધી જ કૂદીને ૧૫ જુલાઈ, ૨૦૨૧ પર પહોંચી ગઈ છે. એટલે કે જે લોકો સાડા ત્રણ વર્ષથી રાહ જોતા હતા, તેમના માટે પ્રક્રિયા ઝડપી બનશે.
• EB-2 (અદ્યતન ડિગ્રી પ્રોફેશનલ્સ): આ શ્રેણીની તારીખ ૧૫ જુલાઈ, ૨૦૧૩ થી વધીને ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૩ થઈ છે. ફાઇલિંગ ચાર્ટમાં તો અહીં ૧૧ મહિનાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ફાઇલિંગ તારીખોમાં જબરદસ્ત ફેરફાર
નવા વિઝા બુલેટિન મુજબ, હવે અરજદારો પોતાની અરજીઓ વહેલી સબમિટ કરી શકશે.
• EB-1 (પ્રાથમિકતા કામદારો): ફાઇલિંગ તારીખ ૧ ઓગસ્ટ, ૨૦૨૩ થી વધીને ૧ ડિસેમ્બર, ૨૦૨૩ થઈ છે.
• EB-4 ફાઇલિંગ: અહીં સૌથી મોટો ધડાકો થયો છે, તારીખ ૧૫ માર્ચ, ૨૦૨૧ થી વધીને સીધી જ ૧ જાન્યુઆરી, ૨૦૨૩ થઈ છે, જે લગભગ ૨૧ મહિનાનો વધારો સૂચવે છે.
પરિવાર આધારિત વિઝાની સ્થિતિ
જ્યારે રોજગાર શ્રેણીમાં દિવાળી જેવો માહોલ છે, ત્યારે પરિવાર-પ્રાયોજિત (Family-Sponsored) શ્રેણીઓમાં સ્થિતિ મોટે ભાગે સ્થિર રહી છે. માત્ર F2A શ્રેણી (કાયમી નિવાસીઓના જીવનસાથી અને બાળકો) ની ફાઇલિંગ તારીખમાં એક મહિનાનો સુધારો થઈને તે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ થઈ છે. બાકીની શ્રેણીઓમાં ભારતીય અરજદારોએ હજુ જૂની તારીખો મુજબ જ રાહ જોવી પડશે.
અરજદારોએ શું ધ્યાન રાખવું?
વિઝા બુલેટિનમાં 'ફાઇલિંગ તારીખ' એ દર્શાવે છે કે તમે ક્યારે તમારી ફાઈલ સબમિટ કરી શકો છો, જ્યારે 'અંતિમ એક્શન ડેટ' એ સૂચવે છે કે તમને ગ્રીન કાર્ડ ક્યારે મળી શકે છે. નિષ્ણાતોના મતે, આ ઉછાળો સૂચવે છે કે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ હવે બેકલોગ ક્લિયર કરવા માટે સક્રિય બની છે. માર્ચ મહિનામાં જે ઉમેદવારોની 'પ્રાયોરિટી ડેટ' આ નવી તારીખોની અંદર આવે છે, તેમણે તુરંત જ દસ્તાવેજોની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
