<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

રાહુલ ગાંધીના વડાપ્રધાન પર આકરા પ્રહાર: 'PMની શરણાગતિથી ભારત અમેરિકાની ડેટા કોલોની બની જશે'

વેપાર કરાર મુદ્દે સંસદમાં ગરમાવો; રાહુલે જીયુ-જિત્સુના દાવપેચ સાથે અદાણી કેસ અને એપસ્ટેઇન ફાઇલ્સનો ઉલ્લેખ કરી કેન્દ્રને ઘેર્યું

નવી દિલ્હી: તા.૨૦: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર અત્યાર સુધીનો સૌથી આક્રમક હુમલો કર્યો છે. અમેરિકા સાથેના વચગાળાના વેપાર કરારને આડે હાથ લેતા રાહુલે આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાનની 'શરમજનક શરણાગતિ'ને કારણે ભારત માત્ર એક બજાર જ નહીં, પરંતુ અમેરિકાની 'ડેટા કોલોની' બની જશે.
જીયુ-જિત્સુ અને 'પકડ'નો દાવ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે માર્શલ આર્ટ્સ 'જીયુ-જિત્સુ' (Jiu-Jitsu) ના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે કેવી રીતે ભારતને એક મજબૂત પકડમાં ફસાવવામાં આવ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે:
•    ખેડૂતોનું બલિદાન: અમેરિકાને ખુશ કરવા માટે ભારતીય ખેડૂતોના હિતોનું બલિદાન કેમ અપાયું?
•    ઉર્જા સુરક્ષા: તેલની આયાત બાબતે અમેરિકાના આદેશો માનીને ભારતની સુરક્ષા સાથે ચેડાં કેમ કરાયા?
•    ૧૦૦ બિલિયન ડોલરનો બોજ: બદલામાં કોઈ ચોક્કસ વચનો લીધા વગર યુએસ આયાતમાં આટલો મોટો વધારો કેમ સ્વીકારાયો?
અદાણી અને એપસ્ટેઇન ફાઇલ્સનો ધડાકો
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ કરાર પાછળ કેટલાક ગુપ્ત કારણો જવાબદાર છે. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાનની છબી અને તેમની નાણાકીય કડીઓ હવે અમેરિકાના હાથમાં છે. તેમણે આ શરણાગતિ પાછળ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા કેસ અને ચર્ચિત 'એપસ્ટેઇન ફાઇલ્સ'નો પણ સીધો ઉલ્લેખ કરીને રાજકીય ખળભળાટ મચાવી દીધો છે.
ભારતનો ડેટા જોખમમાં?
વિપક્ષના નેતાએ ચેતવણી આપી છે કે આ કરાર હેઠળ તમામ ભારતીય ડેટા અમેરિકન કંપનીઓને સોંપવામાં આવી રહ્યો છે. તેમણે સવાલ કર્યો કે, "મોદીજી એવા કરાર માટે કેમ તૈયાર થયા જેમાં ભારત ઘણું બધું ગુમાવી રહ્યું છે અને બદલામાં બહુ ઓછું મેળવી રહ્યું છે?"
આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે. બજેટ ચર્ચા દરમિયાન પણ આ મુદ્દો કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે.

(4:32 PM IST)