<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ભિવંડીના રાજકારણમાં મોટો 'ખેલ': ભાજપના જ બળવાખોર નેતા બન્યા મેયર, કોંગ્રેસના સમર્થનથી કેસરીયો ગઢ કાંગરે ખર્યો!

ભાજપમાં ભંગાણ: ૯ કોર્પોરેટરોએ પક્ષ સામે બગાવત કરી 'સેક્યુલર ફ્રન્ટ' ને ટેકો આપ્યો; નારાયણ ચૌધરીએ ૪૮ મતો સાથે વિજય મેળવી ભાજપને આપ્યો આંચકો

ભિવંડી: તા.૨૦: મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં આજે મેયરની ચૂંટણીમાં ભારે ડ્રામા અને રાજકીય કાવાદાવા જોવા મળ્યા છે. ભાજપના જ દિગ્ગજ નેતા અને બળવાખોર કોર્પોરેટર નારાયણ ચૌધરીએ કોંગ્રેસ અને NCP (શરદ પવાર જૂથ) ના સમર્થનથી મેયર પદ પર કબજો જમાવી દીધો છે. આ સાથે જ ભિવંડીમાં ભાજપનું શાસન સ્થાપવાનું સપનું રોળાઈ ગયું છે.
કેવી રીતે પલટાયું સત્તાનું સમીકરણ?
૯૦ બેઠકો ધરાવતી આ મહાનગરપાલિકામાં બહુમતી માટે ૪૬ મતોની જરૂર હતી. ચૂંટણીના પરિણામો મુજબ કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નહોતી.
•    ભાજપમાં ફૂટ: ભાજપ પાસે ૨૨ કોર્પોરેટરો હતા, પરંતુ મેયર પદના ઉમેદવાર બદલવાને કારણે નારાજગી વ્યાપી હતી. નારાયણ ચૌધરીની આગેવાનીમાં ૯ કોર્પોરેટરોએ અલગ જૂથ બનાવી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા.
•    મતોનું ગણિત: નારાયણ ચૌધરીને કુલ ૪૮ મતો મળ્યા, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર સ્નેહા પાટીલને માત્ર ૧૬ મતોથી સંતોષ માનવો પડ્યો.
•    ડેપ્યુટી મેયર: મેયર પદ બળવાખોરને આપ્યા બાદ, કોંગ્રેસે ડેપ્યુટી મેયર પદ પોતાના નામે કર્યું છે. કોંગ્રેસના તારિક મોમીન ૪૩ મતો મેળવીને ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે.
'બાલ્યા મામા' નો માસ્ટરસ્ટ્રોક?
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે NCP સાંસદ સુરેશ મ્હાત્રે (બાલ્યા મામા) એ આ આખા ખેલ પાછળ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ભાજપના નારાજ જૂથનો સંપર્ક કરી તેમને 'સેક્યુલર મોરચા' માં જોડાવા મનાવી લીધા હતા. આ ગઠબંધનમાં કોંગ્રેસના ૩૦ અને NCP ના ૧૨ કોર્પોરેટરોએ એકજૂથ થઈને ભાજપને પછાડ્યું છે.
ભાજપ માટે આત્મમંથનનો વિષય
ભિવંડીમાં ભાજપને મળેલો આ ફટકો આગામી સમયમાં મહારાષ્ટ્રના રાજકારણ પર મોટી અસર કરી શકે છે. છેલ્લા ઘડીએ ઉમેદવાર બદલવાની રણનીતિ પક્ષને જ ભારે પડી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી તરફ, કોંગ્રેસે ચતુરાઈ પૂર્વક ભાજપના જ નેતાને આગળ કરી સત્તામાં ભાગીદારી મેળવી લીધી છે.

(4:51 PM IST)