News of Friday, 20th February 2026
રાજકીય ભૂકંપ: શશી થરૂરે ફરી પક્ષની લાઇન તોડી! રાહુલ ગાંધીના પ્રહારો વચ્ચે મોદી સરકારની AI સમિટને ગણાવી 'વૈશ્વિક સફળતા'
ચીની રોબોટ વિવાદને થરૂરે 'નાની ભૂલ' ગણાવી ફગાવી દીધો; ૧૧૯ દેશોની હાજરીમાં ભારતના AI નેતૃત્વના કર્યા વખાણ, કોંગ્રેસ ખેમામાં સોપો પડી ગયો

નવી દિલ્હી: તા.૨૦: ભારતીય રાજનીતિમાં 'બૌદ્ધિક નેતા'ની છાપ ધરાવતા કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ફરી એકવાર પોતાના નિવેદનથી રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬' ને ફ્લોપ શો ગણાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ થરૂરે પીએમ મોદીના આ આયોજનને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી પક્ષને મોટો ફટકો માર્યો છે.
થરૂર વિરુદ્ધ રાહુલ: દાવાઓનો મુકાબલો
સમિટના આયોજનને લઈને કોંગ્રેસમાં બે ફાંટા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે:
• રાહુલ ગાંધીનો પ્રહાર: વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ સમિટને 'પીઆર તમાશો' ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલ પર ચીની રોબોટ ડોગને 'મેક ઇન ઇન્ડિયા' ના નામે પ્રદર્શિત કરીને દેશને શરમાવવામાં આવ્યો છે.
• થરૂરનો બચાવ: શશી થરૂરે આ વિવાદને હળવાશથી લેતા કહ્યું કે, "આટલા મોટા પાયે આયોજિત કાર્યક્રમમાં નાની-મોટી ભૂલો થવી સ્વાભાવિક છે. તેને અતિશયોક્તિ કરવાની જરૂર નથી. સમિટનું રાજદ્વારી અને ટેકનિકલ મહત્વ જોવું જોઈએ."
ભારત મંડપમમાં ૧૧૯ દેશોનો સંગમ
ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી આ સમિટમાં ભારતની શક્તિનું પ્રદર્શન જોવા મળ્યું છે. ૧૧૯ દેશોના પ્રતિનિધિઓ, ૨૦ દેશોના વડાઓ અને ૪૫ મંત્રીઓની હાજરીએ ભારતને AI ના ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ ડિજિટલ નેટવર્ક બાબતે ભારતના ભારોભાર વખાણ કર્યા છે.
પીએમ મોદીનો AI વિઝન દસ્તાવેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટમાં સ્પષ્ટ કર્યું કે ભારત AI માટે આકાશ ખોલવા તૈયાર છે, પણ તે નિયમનકારી નિયંત્રણ સાથે હોવું જોઈએ. તેમણે ખાસ કરીને:
1. મહિલા અને બાળ સુરક્ષા: AI ના દુરુપયોગ સામે કાનૂની રક્ષણ.
2. રાષ્ટ્રીય ડેટા માલિકી: ભારતનો ડેટા ભારત પાસે જ રહે.
3. AI સામગ્રીની જાહેરાત: કોઈપણ AI જનરેટેડ કન્ટેન્ટ માટે ડિસ્ક્લોઝર ફરજિયાત બનાવવાની હિમાયત કરી છે.
શશી થરૂરનું આ વલણ દર્શાવે છે કે તેઓ રાષ્ટ્રીય હિતના મુદ્દે પક્ષની વિચારધારાથી અલગ પડીને પણ પ્રશંસા કરવામાં અચકાતા નથી. જોકે, આ નિવેદનથી કોંગ્રેસ હાઈકમાન્ડમાં ફરી એકવાર નારાજગી જોવા મળી શકે છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
