હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાન હોકી ટીમ વિવાદ : કેપ્ટન પરનો પ્રતિબંધ હટ્યો, પણ ખેલાડીઓની મજબૂરીએ આખા વિશ્વમાં કરાવી ફજેતી!
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નેશનલ પ્લેયર્સ પાસે રસોડા સાફ કરાવ્યાનો આક્ષેપ : એરપોર્ટ પર ૧૫ કલાકનો વનવાસ અને હોટલના વિવાદે પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડની પોલ ખોલી

લાહોર: પાકિસ્તાન હોકીમાં અત્યારે મેદાન પરના ગોલ કરતાં મેદાન બહારના ગંદા વાસણોની ચર્ચા વધુ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પાકિસ્તાની હોકી ટીમના ખેલાડીઓને રસોડું સાફ કરવા અને વાસણ ધોવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાના સનસનીખેજ ખુલાસા બાદ કેપ્ટન અમ્માદ શકીલ બટ્ટ પર મુકાયેલો બે વર્ષનો પ્રતિબંધ આખરે હટાવી દેવામાં આવ્યો છે. ફેડરેશનના વચગાળાના પ્રમુખ મુહિદ્દીન વાનીએ પૂર્વ પ્રમુખ તારિક બુગતીના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો છે. જોકે, આ વિવાદે સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનમાં હોકી જેવા રાષ્ટ્રીય રમતની હાલત અત્યારે કંગાલિયતની ચરમસીમાએ પહોંચી ગઈ છે.
પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે ટીમ સિડની એરપોર્ટ પર ૧૨ થી ૧૫ કલાક સુધી રઝળતી રહી અને હોટલનું ભાડું ન ચૂકવાતા ખેલાડીઓને કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેવું પડ્યું. કેપ્ટન અમ્માદ બટ્ટે લાહોર પરત ફરીને મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી કે, "અમારી પાસે વાસણો ધોવડાવવામાં આવ્યા હતા." આ આરોપો બાદ ફેડરેશને તેને શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરી દીધો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને જનતાના આક્રોશ સામે ફેડરેશનને નમવું પડ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ સાથે આવો વ્યવહાર પાકિસ્તાની રમતજગતના ઇતિહાસમાં કદાચ સૌથી શરમજનક પ્રકરણ છે.
આ વિવાદનો મધપૂડો છંછેડાતા જ ફેડરેશનના પ્રમુખ તારિક બુગતીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે અને તમામ દોષનો ટોપલો પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ પર ઢોળ્યો છે. બુગતીએ વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખીને આ ગેરવહીવટની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. હાલમાં આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ પાકિસ્તાનની આર્થિક બદહાલી અને રમતગમતના ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના વરવા દ્રશ્યો આખી દુનિયા સામે ખુલ્લા પાડી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે શું કેપ્ટન અમ્માદ બટ્ટ અને તેની ટીમને ન્યાય મળશે કે પછી આ વિવાદ ફાઈલોમાં દબાઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
