News of Friday, 20th February 2026
"અમારા આઈડી કાર્ડ સાચા, તો અમે ખોટા કેવી રીતે?" BLA ની કેદમાં પાકિસ્તાની સૈનિકોની રડતી વિનંતી : પાકિસ્તાન સેનાએ પોતાના જ જવાનોને તરછોડ્યા!
બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ જાહેર કર્યો સાત સૈનિકોનો રુંવાડા ઉભા કરી દેતો વીડિયો : "અમે પાકિસ્તાન માટે લડ્યા અને હવે સરકાર અમને ઓળખતી પણ નથી", ૨૪ કલાકમાં માંગણીઓ ન સ્વીકારાય તો ફાંસીની ધમકી

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને બલૂચિસ્તાન વચ્ચે ચાલી રહેલા વર્ષો જૂના સંઘર્ષે હવે એક અત્યંત શરમજનક વળાંક લીધો છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નવા વીડિયોએ પાકિસ્તાની સેનાની પોલ આખા વિશ્વ સમક્ષ ખોલી નાખી છે. વીડિયોમાં સાત પાકિસ્તાની સૈનિકો મોતના ભય નીચે ધ્રૂજતા અને રડતા જોવા મળે છે. તેઓ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને આજીજી કરી રહ્યા છે કે તેમને મરવા માટે એકલા ન છોડવામાં આવે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે સૈનિકો દુશ્મનની કેદમાં જિંદગીની ભીખ માંગી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન સરકારે અને સેનાએ સત્તાવાર રીતે એવું કહીને હાથ ઊંચા કરી દીધા છે કે, "આ લોકો અમારા સૈનિકો નથી અને આ વીડિયો નકલી છે."
વીડિયોમાં એક સૈનિક પોતાનું આર્મી આઈડી કાર્ડ કેમેરા સામે ધરીને ચીસો પાડીને પૂછે છે કે, "જો અમે તમારા માણસો નથી, તો આ કાર્ડ કોણે બનાવ્યા છે? શું અમે આ કાર્ડ જાતે બનાવ્યા છે?" આ સૈનિકોનો આક્રોશ અને દર્દ પાકિસ્તાન સેનાની એ નીતિને છતી કરે છે જ્યાં નીચલા સ્તરના જવાનોને જરૂર પડ્યે બલિના બકરા બનાવી દેવામાં આવે છે. BLA એ પાકિસ્તાન સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમની માંગ છે કે જેલ યુદ્ધકેદીઓના બદલામાં જેલમાં બંધ બલૂચ કેદીઓને મુક્ત કરવામાં આવે. જો આ સમયમર્યાદામાં માંગણીઓ પૂરી નહીં થાય, તો તમામ સાત જવાનોને સરેઆમ ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનાએ પાકિસ્તાની સેનાની અંદર પણ ભારે રોષ પેદા કર્યો છે. એક તરફ જવાનો સરહદ પર અને અશાંત વિસ્તારોમાં જીવ જોખમમાં મૂકે છે, ત્યારે બીજી તરફ સૈન્ય હાઈકમાન્ડ તેમને નકલી ગણાવીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. પાકિસ્તાન સરકાર આ વીડિયોને 'પ્રોપેગાન્ડા' ગણાવી રહી છે, પરંતુ સૈનિકોની ઓળખ અને તેમના પરિવારજનોની આજીજી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. જો આગામી ૨૪ કલાકમાં કોઈ રાજદ્વારી કે સૈન્ય ઉકેલ નહીં આવે, તો આ સાતેય જવાનોનું બલિદાન પાકિસ્તાનના આંતરિક સુરક્ષા માળખાને હચમચાવી દેશે તે નક્કી છે. વિશ્વ અત્યારે શ્વાસ રોકીને આ અલ્ટીમેટમની મર્યાદા પૂરી થવાની રાહ જોઈ રહ્યું છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
