News of Friday, 20th February 2026
"AI માનવીને માનસિક રીતે અપંગ બનાવી દેશે!" : સપા સાંસદ રામ ગોપાલ યાદવની ચેતવણી : સોશિયલ મીડિયા પર છેડાઈ 'બુદ્ધિ'ની જંગ
નવી દિલ્હીની AI ઇમ્પેક્ટ સમિટ વચ્ચે સમાજવાદી નેતાનું વિવાદાસ્પદ ટ્વીટ : "શરીરનો જે ભાગ ન વપરાય તે નકામો થઈ જાય, AI થી પેઢીઓ મૌલિક વિચારશક્તિ ગુમાવશે"

નવી દિલ્હી: જ્યારે આખું વિશ્વ ભારતને 'AI સુપરપાવર' બનતા જોઈ રહ્યું છે અને માઈક્રોસોફ્ટ-ગૂગલ જેવી કંપનીઓ ભારતમાં અબજો ડોલર ઠાલવી રહી છે, ત્યારે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે એક ગંભીર સવાલ ઉઠાવીને ચર્ચા જગાવી છે. નવી દિલ્હીમાં આયોજિત 'AI ઇમ્પેક્ટ સમિટ' ના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં જ યાદવે દાવો કર્યો છે કે આ ટેકનોલોજી માનવ મગજના કુદરતી વિકાસને રુંધી નાખશે. તેમના મતે, જે રીતે શરીરનો કોઈ અંગ ન વાપરવાથી તે શિથિલ થઈ જાય છે, તેવી જ રીતે AI પરની નિર્ભરતા ભવિષ્યની પેઢીઓને વિચારવા કે લખવા માટે પણ અક્ષમ બનાવી દેશે.
રામ ગોપાલ યાદવે તેમના X હેન્ડલ પરથી તીખા પ્રહારો કરતા લખ્યું કે, શિક્ષણનો મૂળ હેતુ વ્યક્તિત્વનો વિકાસ છે, પરંતુ AI વ્યક્તિને 'માનસિક અપંગતા' તરફ ધકેલી રહ્યું છે. તેમણે આને પશ્ચિમી જગતનું આંધળું અનુકરણ ગણાવતા 'આત્મઘાતી' પગલું ગણાવ્યું છે. આ નિવેદન વાયરલ થતા જ ઈન્ટરનેટ પર બે ફાંટા પડી ગયા છે. કેટલાક શિક્ષણવિદો અને પ્રોફેસરો યાદવની વાત સાથે સહમત થઈ રહ્યા છે કે AI આપણી તાર્કિક ક્ષમતા (અને ઊંડાણપૂર્વકની શોધખોળ કરવાની વૃત્તિને મારી રહ્યું છે, કારણ કે તૈયાર જવાબો મળવાને કારણે મગજ કસરત કરવાનું બંધ કરી દે છે.
બીજી તરફ, ટેકનોલોજીના સમર્થકો આ નિવેદનને અતિશયોક્તિ ગણાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ખતરો ટેકનોલોજીમાં નથી પણ તેના ખોટા ઉપયોગમાં છે. જો AI ને એક સાધન (Tool) તરીકે વાપરવામાં આવે, તો તે માનવીની કલ્પનાશક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. જોકે, બેરોજગારી વધવાની ભીતિ અને મૌલિક વિચારસરણી ગુમાવવાના મુદ્દે યાદવના નિવેદને દેશભરના બૌદ્ધિક વર્ગને વિચારતા કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ 'માનસિક જડતા' ના જોખમ સામે શિક્ષણ વ્યવસ્થામાં કેવા સુધારા લાવે છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
