News of Friday, 20th February 2026
ગૂગલની ડિજિટલ 'સર્જિકલ સ્ટ્રાઈક': પ્લે સ્ટોર પરથી ૧૭.૫ લાખ નકલી એપ્સનો સફાયો, ૮૦,૦૦૦ ડેવલપર્સના એકાઉન્ટ્સ પર વાગ્યું તાળું
માલવેર અને ડેટા ચોરી કરતી એપ્સ વિરુદ્ધ એક્શન મોડમાં ગૂગલ; AI ટૂલની મદદથી કરોડો યુઝર્સને નાણાકીય છેતરપિંડી અને સ્પાયવેરથી બચાવ્યા

નવી દિલ્હી: એન્ડ્રોઈડ યુઝર્સની સુરક્ષાને લઈને ટેક જાયન્ટ ગૂગલે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગૂગલ પ્લે સ્ટોર પર નીતિઓનું ઉલ્લંઘન કરતી અને યુઝર્સનો ડેટા ચોરતી અંદાજે ૧૭.૫ લાખ (૧.૭૫ મિલિયન) નકલી એપ્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગૂગલના આ કડક વલણને કારણે એપ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે.
વપરાશકર્તાઓ સુધી પહોંચતા પહેલા જ રસ્તો રોક્યો
ગૂગલે તેની સત્તાવાર બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે આ તમામ એપ્સ યુઝર્સની પ્રાઈવસી માટે ખતરો હતી.
• AI નો પાવર: ગૂગલ પ્લે પ્રોટેક્શનના એડવાન્સ AI ડિટેક્શન ટૂલ દ્વારા આ એપ્સને તે ડાઉનલોડ થાય તે પહેલા જ ઓળખી કાઢવામાં આવી હતી.
• ખતરાના પ્રકાર: આ એપ્સમાં છુપાયેલા સબસ્ક્રિપ્શન, નાણાકીય છેતરપિંડી કરતા માલવેર અને સ્પાયવેર હોવાનું સામે આવ્યું હતું.
• ડેટા ચોરી અટકાવી: ગૂગલના જણાવ્યા મુજબ, તેમના AI ટૂલે ૨,૫૫,૦૦૦ એપ્સને સંવેદનશીલ યુઝર ડેટા ચોરતા અટકાવી છે.
ડેવલપર્સ પર પણ કડક કાર્યવાહી
માત્ર એપ્સ જ નહીં, પરંતુ ગૂગલે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પાછળ જવાબદાર ૮૦,૦૦૦ એપ ડેવલપર્સના એકાઉન્ટ્સ પણ કાયમી ધોરણે બ્લોક કરી દીધા છે. આ એવા એકાઉન્ટ્સ હતા જે વારંવાર ગૂગલની સુરક્ષા નીતિઓનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમને સુરક્ષિત બનાવવાનો લક્ષ્યાંક
ગૂગલ ૨૦૨૫ સુધીમાં એન્ડ્રોઇડ પ્લેટફોર્મને સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માંગે છે. આ માટે કંપનીએ નીચે મુજબના પગલાં લીધા છે:
1. એન્ટિ-સ્પામ અપગ્રેડ: ૧૬ કરોડથી વધુ સ્પામ રેટિંગ અને નકલી સમીક્ષાઓને હટાવી દેવામાં આવી છે.
2. ડેટા સેફ્ટી સેક્શન: પ્લે સ્ટોર પર હવે એપ્લિકેશન કયો ડેટા લે છે તેનું AI દ્વારા સતત મોનિટરિંગ થાય છે.
3. શરૂઆતના તબક્કે જ તપાસ: હવે કોઈ પણ એપ ડેવલપ થાય ત્યારથી જ તેમાં રહેલા વાંધાજનક કોડની તપાસ શરૂ કરી દેવામાં આવે છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
