News of Friday, 20th February 2026
ઓનલાઈન ગેમિંગના નામે 'મહા-લૂંટ': WinZO એપ પર EDની સર્જિકલ સ્ટ્રાઈક, વિદેશી બેંક ખાતાઓમાં પડેલા ₹505 કરોડ ટાંચમાં લીધા
યુઝર્સને જીતાડવાને બદલે AI અને બોટ્સ સામે રમાડતી હતી કંપની; રોકાણના નામે સગેવગે કરેલી ₹1,194 કરોડની મિલકતો અત્યાર સુધી જપ્ત, પ્રમોટર્સની મુશ્કેલી વધી

બેંગલુરુ: ભારતમાં ઓનલાઈન ગેમિંગના નામે સામાન્ય લોકોની કમાણી ડૂબાડતી કંપનીઓ પર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગાળિયો કસ્યો છે. લોકપ્રિય ગેમિંગ પ્લેટફોર્મ 'WinZO' વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા EDએ અમેરિકા અને સિંગાપોરમાં રહેલી કંપનીની સહયોગી સંસ્થાઓના બેંક ખાતામાંથી અંદાજે ₹505 કરોડ ($55.69 મિલિયન) ફ્રીઝ કર્યા છે.
AI અને બોટ્સ દ્વારા છેતરપિંડીનો પર્દાફાશ
EDની તપાસમાં WinZO ના કાળા કારોબારની ચોંકાવનારી વિગતો સામે આવી છે:
• બનાવટી ખેલાડીઓ: કંપની યુઝર્સને એવો ભરોસો આપતી હતી કે તેઓ વાસ્તવિક ખેલાડીઓ સાથે રમી રહ્યા છે, પરંતુ હકીકતમાં તેમને AI, અલ્ગોરિધમ અને બોટ્સ (જેને કંપની PPP/EP કહેતી હતી) સામે રમાડવામાં આવતા હતા.
• પૈસા ઉપાડવા પર પ્રતિબંધ: તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે યુઝર્સ પૈસા જીતતા ત્યારે એપના વોલેટમાંથી રકમ ઉપાડવા પર રોક લગાવી દેવામાં આવતી અથવા મર્યાદા નક્કી કરવામાં આવતી, જેથી યુઝર્સ ફરીથી ગેમ રમવા અને પૈસા હારવા મજબૂર બને.
• ₹3,522 કરોડની ગેરકાયદે કમાણી: વર્ષ 2022 થી ઓગસ્ટ 2025 દરમિયાન કંપનીએ આ છેતરપિંડી દ્વારા અંદાજે ₹3,522.05 કરોડની અઢળક કમાણી કરી હોવાનો EDનો આરોપ છે.
વિદેશી રોકાણના બહાને નાણાં સગેવગે કર્યા
કંપનીના પ્રમોટર્સ પાવન નંદા અને સૌમ્યા સિંહ રાઠોડના કંટ્રોલ હેઠળ રહેલી વિદેશી સંસ્થાઓ 'WinZO US Inc' અને 'WinZO SG Pte. Ltd.' ના ખાતામાં આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ED મુજબ, ભારતમાંથી ઓપરેશન મેનેજ કરીને કમાણીનો મોટો હિસ્સો રોકાણના બહાને વિદેશ મોકલી દેવાયો હતો.
અત્યાર સુધીની કુલ જપ્તી
• તાજી કાર્યવાહી: ₹505 કરોડના વિદેશી ખાતા અટેચ કરાયા.
• કુલ મિલકત: અત્યાર સુધીમાં EDએ WinZO ની અંદાજે ₹1,194 કરોડની ચલ-અચલ મિલકતો ટાંચમાં લીધી છે.
• KYC દુરુપયોગ: એજન્સીએ જણાવ્યું કે યુઝર્સના KYC ડેટાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને પાન કાર્ડની વિગતો સાથે છેડછાડ કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી.
EDએ આ મામલે બેંગલુરુની વિશેષ PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેઈન્ટ દાખલ કરી છે. આ કાર્યવાહીથી ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી આચરતા અન્ય ઓપરેટરોમાં પણ ફફડાટ ફેલાયો છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
