News of Friday, 20th February 2026
ભારત મંડપમમાં ષડયંત્ર: AI સમિટમાં હંગામો મચાવનાર કોંગ્રેસી નેતાઓ પર ગાળિયો કસાયો : બિહારના કૃષ્ણ હરિ સહિત 4 ની ધરપકડ : આજે કોર્ટમાં રજૂઆત
ટી-શર્ટ પર સ્ટીકર લગાવી અંદર ઘૂસ્યા અને પછી મચાવ્યો હોબાળો : પોલીસ સાથેની ઝપાઝપી અને ષડયંત્રની ગંભીર કલમો હેઠળ FIR: છત્રીથી લઈને સ્ટીકર સુધીના ગુપ્ત પ્લાનનો થયો પર્દાફાશ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના અત્યંત સુરક્ષિત ગણાતા ભારત મંડપમમાં આયોજિત 'વૈશ્વિક AI સમિટ'માં શુક્રવારે ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધનું અનોખું અને વિવાદાસ્પદ સ્વરૂપ અપનાવ્યું. દિલ્હી પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરતા ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તપાસમાં બહાર આવ્યું છે કે આ વિરોધ પ્રદર્શન પાછળ એક સુનિયોજિત રણનીતિ હતી. મુખ્ય આરોપી બિહારના સોનપુરનો કૃષ્ણ હરિ હોવાનું સામે આવ્યું છે. આ કાર્યકરોએ માત્ર સૂત્રોચ્ચાર જ નથી કર્યા, પરંતુ પોલીસ સાથે લાંબા સમય સુધી ઝપાઝપી કરીને સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો.
પોલીસ તપાસમાં જે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે તે 'બ્લેક અમ્બ્રેલા' એટલે કે કાળી છત્રીનો પ્લાન છે. આરોપીઓએ શરૂઆતમાં ખાસ સ્ટીકર છાપેલી કાળી છત્રીઓ સાથે કાર્યક્રમમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગેટ પર કડક ચેકિંગ જોઈને તેઓએ છેલ્લી ઘડીએ પ્લાન બદલ્યો હતો. છત્રી પકડાઈ જવાની બીકે તેઓએ પોતાના ટી-શર્ટની અંદર સ્ટીકરો છુપાવ્યા અને અંદર પહોંચ્યા બાદ અચાનક શર્ટલેસ થઈને હંગામો મચાવ્યો હતો. પોલીસ હવે એ સ્ટીકર ક્યાં છપાયા અને આ આખા ષડયંત્ર માટે ફંડિંગ ક્યાંથી આવ્યું તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે.
ભાજપે આ ઘટનાને દેશની આંતરરાષ્ટ્રીય ગરિમા પર પ્રહાર ગણાવ્યો છે. જ્યારે વિશ્વના નેતાઓ ભારતની AI ક્ષમતાની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યારે આ પ્રકારે શર્ટલેસ થઈને વિરોધ કરવો તે કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે તેવો ભાજપે આક્ષેપ કર્યો છે. બીજી તરફ, પોલીસ દ્વારા નોંધાયેલી FIR માં ગુનાહિત ષડયંત્ર અને સરકારી કામમાં અવરોધ જેવી કડક કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. 20 થી 30 જેટલા કાર્યકરોની અટકાયત બાદ હવે પોલીસ આમાં સામેલ અન્ય 'મોટા માથાઓ' સુધી પહોંચવા માટે કડીઓ જોડી રહી છે. આ ઘટનાએ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમોની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
