હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકીય મહાસંગ્રામ: રાહુલ ગાંધીના નિવાસસ્થાને ભાજપનો જોરદાર હંગામો: 'AI સમિટ' વિવાદમાં હવે સામસામે વિરોધ પ્રદર્શન!
યુથ કોંગ્રેસના 'શર્ટલેસ' દેખાવો બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાયું : "દેશની ગરિમાને કલંકિત કરવાનું ષડયંત્ર : ભાજપના આકરા પ્રહારો વચ્ચે રાહુલના ઘર બહાર 'શેમ-શેમ' ના નારા : અટકાયત અને કોર્ટ કાર્યવાહીથી રાજધાનીમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા.

નવી દિલ્હી: ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'AI ઇમ્પેક્ટ સમિટ'માં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કપડાં ઉતારીને વિરોધ પ્રદર્શને હવે એક મોટા રાજકીય યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ઘટનાના વિરોધમાં ભાજપના કાર્યકરોએ શનિવારે રાહુલ ગાંધીના સત્તાવાર નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરીને મોરચો ખોલ્યો હતો. પ્રદર્શનકારીઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને એવો આક્ષેપ કર્યો કે જ્યારે વિશ્વભરના નેતાઓ ભારતમાં ટેકનોલોજીની પ્રશંસા કરવા આવ્યા છે, ત્યારે કોંગ્રેસે દેશની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ધૂળધાણી કરી છે. પરિસ્થિતિ વણસતી જોઈ દિલ્હી પોલીસે તુરંત કાર્યવાહી કરી પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
બીજી તરફ, ભારત મંડપમમાં હંગામો મચાવનાર ચાર મુખ્ય આરોપીઓ—કૃષ્ણ હરિ, કુંદન યાદવ, અજય કુમાર અને નરસિંહ યાદવ—ની ધરપકડ બાદ દિલ્હી પોલીસ હવે આને એક 'ડીપ કાવતરા' તરીકે તપાસી રહી છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આરોપીઓએ પહેલા કાળી છત્રીઓ સાથે વિરોધ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ ચેકિંગમાં પકડાઈ જવાની બીકે તેમણે ખાસ પ્રકારના છાપેલા ટી-શર્ટનો સહારો લીધો હતો. આ ટી-શર્ટ ક્યાં છાપવામાં આવ્યા અને આ યોજના પાછળ કોનું મગજ હતું, તે જાણવા પોલીસ પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માંગણી કરશે. ભાજપ નેતા સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે આ આખી વ્યૂહરચના સોનિયા અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં રાહુલના ઘરે જ નક્કી કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી છે. પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યું છે ત્યારે કેટલાક તત્વો પ્રગતિમાં રોડાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજનાથ સિંહે આ ઘટનાને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રતિષ્ઠા સાથે થયેલી 'દુર્ભાગ્યપૂર્ણ છેડછાડ' ગણાવી છે. એક તરફ પોલીસ સ્ટીકર અને ટી-શર્ટના સ્ત્રોત સુધી પહોંચવા મથી રહી છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઉગ્ર શબ્દયુદ્ધ છેડાયું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વણસે તેવા પૂરા સંકેતો મળી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
